વાપી: એક તરફ સમગ્ર દેશમાં કોરોનાના કહેર સામે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વહેલી સવારે વાપી નજીક દમણગંગા નદી પર રેલવે બ્રિજ પર પસાર થતી 2 મહિલાઓ ગુડ્સ ટ્રેનમાં આવી જતા કમકમાટી ભર્યા મોત થયા છે.
વાપીમાં વાપી રેલવે સ્ટેશનથી દક્ષિણ દિશામાં દમણગંગા નદીના બ્રિજ પર બનાવવામાં આવેલા રેલવે બ્રિજ પર વહેલી સવારે 5 વાગ્યે 2 મહિલાઓ માલગાડીમાં આવી જતા મોતને ભેટી હતી. આ સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસની ટીમ દ્વારા બન્ને માહિલાઓના મૃતદેહને વાપીના ચલા PHC સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાઇ હતી.
બન્ને મહિલાઓના મૃત્યુ અંગે પ્રાથમિક માહિતી મુજબ રેલવે બ્રિજ પરથી આ મહિલાઓ પસાર થતી હતી તે સમયે સામેથી ધસમસતી આવતી માલગાડીના અડફેટે આવી ગઈ હતી. જેમાં બન્ને મહિલાઓના કરુણ મોત નિપજ્યા હતાં. ટ્રેનમાં મોતને ભેટેલી મહિલામાં એક મહિલાનો મૃતદેહ બ્રિજ પરથી નીચે પટકાયો હતો.
મહિલાઓના મોત અંગે વધુ મળતી વિગત મુજબ આ મહિલાઓ આસપાસના વિસ્તારમાં મજૂરી કામ અર્થે પોતાના પરિવાર સાથે સ્થાઇ થઈ હતી અને લોકડાઉનના પગલે પોતાના વતન તરફ જવા માટે આ રેલવે બ્રિજ પર ચાલતા નીકળ્યા હતા તે સમયે આ ઘટના ઘટી હતી. જો કે તેમના નામ કે સરનામાંની વધુ વિગતો મેળવા વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.