વલસાડઃ પારડી તાલુકાના પરિયા ગામે હરીનગર વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ પટેલના ઘરે પણ 30થી 40 વર્ષ જૂનું એક નીલગીરીનું કદાવર વૃક્ષ શુક્રવારે વરસાદી માહોલમાં ઝડપી પવન ફૂંકાતા ધડાકાભેર ઘર પર પડ્યું હતું. પરસોત્તમભાઈના કાચા મકાન પર પડેલા તોતીંગ વૃક્ષને કારણે તેમના ઘરના પાછળનો ભાગ એટલે કે, રસોડાના ભાગમાં પતરાની પેજારીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મહત્વનું છે કે, આ નીલગીરીના વૃક્ષો સામાજિક વનીકરણ વિભાગના વિસ્તારમાં આવે છે. જેથી આ ઘટના બન્યા બાદ ઘરના કોઈ પણ વ્યક્તિએ વૃક્ષો કાપવાની કોશિશ કરી ન હતી. કારણ કે, વન વિભાગના હસ્તકમાં આવતા આ વૃક્ષોને જો કાપવા જાય તો વન વિભાગ તરફથી કાર્યવાહી થવાની દહેશત હતી. જેના કારણે ઘર માલિકે વૃક્ષોને હટાવવા માટે તસ્દી લીધી ન હતી. તો બીજી તરફ સમગ્ર બાબતની જાણકારી પરિયા ગામના સરપંચ દીક્ષાંત પટેલને કરવામાં આવી હતી.
ઘર માલિક દ્વારા આ અંગેની જાણકારી વન વિભાગના અધિકારીને કરાઈ હતી જેથી કરીને ઘર પર પડેલા વૃક્ષોની ડાળીઓ કાપીને દૂર કરી શકાય છે, પરંતુ ઘટનાને 24 કલાક વિત્યા બાદ પણ સ્થળ પર વન વિભાગના કોઇપણ અધિકારી ઘટનાની તપાસ કરવા આવ્યા ન હતા.
ઘર માલિક પરસોત્તમભાઈએ જણાવ્યું કે, આ અગાઉ પણ મોટું ઝાડ તેમના ઘર પર પડ્યું હતું. જે સમયે પણ મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે શનિવારની ઘટના 3:00 કલાકે બની હતી અને આ દરમિયાન એક વૃદ્ધા ઘરના પાછળના ભાગમાં રસોઈ કરી રહી હતી, પરંતુ સદનસીબે વૃદ્ધાનો ચમત્કારિક બચાવ થયો હતો.
જો કે, આ સમગ્ર બાબતે જ્યારે જિલ્લાના વન વિભાગના અધિકારી બી સુચિન્દ્રા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે તેમને જાણકારી મળી છે અને તાત્કાલિક અસરથી આ વૃક્ષને દૂર કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.