- વલસાડમાં કોરોનાથી કણસી રહેલી પરિસ્થિતિ
- હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે બેડ નથી
- ઓક્સિજનની માગ સામે માત્ર 50 ટકા સપ્લાય
વલસાડ: હાલ જિલ્લામાં સારવાર લેવી કે ઓક્સિજનની બોટલ મેળવવી દર્દીના સ્વજનો માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. લોકો બે હાથ જોડીને ઈશ્વરને વિનંતી કરી રહ્યા છે કે, પોતાના પરિવારમાં કોઈને પણ કોરોના ન થાય. કોરોનાની સારવાર માટે જિલ્લાની તમામ હોસ્પિટલોમાં કોઈપણ બેડ ખાલી નથી. સિવિલ હોસ્પિટલ પણ 560 બેડ ધરાવતી હોવા છતાં તમામ બેડ ભરાયેલા છે. બીજી તરફ સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ઊભી થતી ઓક્સિજનની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ખાનગી હોસ્પિટલો પણ હાલ સક્ષમ નથી. જેના કારણે લોકો પોતાના દર્દીઓ માટે ઓક્સિજનના બોટલની વ્યવસ્થાઓ કરી રહ્યા છે, તેમ છતાં પણ અનેક જગ્યાએ રઝળપાટ કરવા છતાં એક બોટલ મેળવવી પણ ખૂબ જ હાલાકી ભર્યું છે.
7 ક્યુબીક મીટરનો એક બોટલ અંદાજીત 20થી 24 કલાક ઓક્સિજન આપે છે
પારડી ખાતે ગેસ એજન્સીના ડિસ્ટ્રીબ્યુટર રાજેશભાઇએ જણાવ્યું કે, જ્યારથી આ કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે, ત્યારથી અનેક લોકો દિવસ રાત તેમને ફોન કરતા હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ ડિમાન્ડ સામે સપ્લાય 50 ટકા જેટલો થઈ ગયો છે. લોકોની જરૂરિયાત એટલી હદે ઊભી થઈ છે કે, રોજિંદા આવતા ઓક્સિજનના બોટલો હાલ ખૂટી રહ્યા છે. હાલમાં જિલ્લામાં દરેક જગ્યાએ હોસ્પિટલમાં બેડ ફૂલ છે. હવે દર્દીઓના સ્વજનો સીધા ઓક્સિજનના બોટલો ખરીદવા માટે ડિસ્ટ્રીબ્યુટર પાસે દોડાદોડ કરી રહ્યા છે અને તમામ બોટલો હવે ગ્રામીણ કક્ષાએ લોકો પોતાના ઘરે સુધી લઇ જાય છે. જેના કારણે હોસ્પિટલના સ્થાને મોટાભાગે લોકો પોતાના ઘરે જ બોટલો લઈ જઈ રહ્યા છે. જેથી હાલ ડિમાન્ડ વધી ગઇ છે. 7 ક્યુબીક મીટરનો એક બોટલ 20થી 24 કલાક સુધી દર્દીને ઓક્સિજન પૂરો પાડી શકે છે.