વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુરના માલનપાડા ખાતે ઓધવરામ એન્ટરપ્રાઇઝ નામની પેઢી અને ગોડાઉનમાં 10 જાન્યુઆરી 2023ની રાત્રિએ ચારથી પાંચ ઇસમો મોઢા ઉપર કપડા બાંધી શટરના તાળા તોડી અંદર પ્રવેશી ગયા હતા. જ્યાંથી કન્ડીશનર, ક્રીમ, સાબુ, શેમ્પુ વિગેરે મળી કુલ 9.26 લાખની ચોરી કરવાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગોડાઉનનું શટર તોડી કોસ્મેટિક સમાનની થઈ હતી ચોરી: ધરમપુરના રહેવાસી રોહીત સુરેશભાઈ ભદ્રાના 11 જાન્યુઆરી 2023ના રોજ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે, પોતે હિન્દુસ્તાનલીવર કંપનીની ડિલરશીપ ધરાવે છે. ગઈ 11 જાન્યુઆરી 2023ના રોજ ગોડાઉનમાં મધ્ય રાત્રી દરમ્યાન મોઢા ઉપર કપડા બાંધી ચારથી પાંચ અજાણ્યા શખ્સો ગોડાઉનના શટરના તાળા તોડી શટર ઉંચુ કરી ગોડાઉન પ્રવેશ કરી ગોડાઉનમાં રહેલ કન્ડીશનર, ક્રીમ, સાબુ, શેમ્પૂ, વિગેરે મળી કુલ્લે રૂપીયા 9,26,634ની કિમંતનો બોક્ષમાં ભરેલ માલ- સામાન ટ્રકમાં ભરી ચોરી કરી લઈ ગયેલ હતા.
પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી: વલસાડ જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ રાજદિપસિંહ ઝાલા સાહેબની સુચના મુજબ વલસાડ એલ.સી.બી પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી.બારડ તથા એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એસ.પવારના માર્ગદર્શન મુજબ એલ.સી.બી પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એમ.બેરીયાસાહેબના નેતૃત્વ હેઠળ વલસાડ એલ.સી.બી અને એસ.ઓ.જીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને આ અલગ અલગ ટીમો દ્વારા ચોરીમાં ગયેલ મુદ્દામાલ જોતા આવા પ્રકારની ચોરીમાં પંચમહાલ જીલ્લાના ગોધરાની જુદી જુદી તાડપત્રી ગેંગના સભ્યો સંડોવાયેલ હોવાનું પ્રાથમીક તપાસમાં જણાઈ આવેલ હતું.
આ પણ વાંચો Vadodara : સંસ્કારનું સિંચન કરતા શિક્ષકે શિષ્યાની છેડતી કરતાં ખળભળાટ
તાડપત્રી ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યું: એલ.સી.બી એસ.ઓ.જીની ટીમોને પંચમહાલ જીલ્લા ખાતે તપાસ માટે મોકલવામાં આવેલ હતી. જેમાં ગોધરા ખાતે ફીલ્ડવર્ક કરી તપાસ કરતાં ખાનગી રાહે જાણવા મળેલ કે ગુનામાં ઉપયોગમાં લીધેલ ટાટા એલ.પી.ટ્રક અમદાવાદ ગોધરા હાઈવે ઉપર આવેલ સીમલા વિસ્તારમાં બાબા ટાયર્સની સામે આવેલ મુસા ચરખાના પતરાના કોટવાળા ખુલ્લા વાડામાં પાર્ક કરેલ છે. જે માહીતી આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી રેઈડ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ ભરેલ ટાટા એલ.પી.ટ્રક કબ્જે લીધી હતી તથા મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે ધરમપુર પોલીસ સ્ટેશનમાં સોપેલ છે.
આ પણ વાંચો Ahmedabad Crime : વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરનાર બાપ દીકરાને પકડ્યા
અન્ય ચાર આરોપીના નામો પણ ખુલ્યા: આ ગુનામાં વધુ ચાર આરોપીઓના નામ ખુલવા પામેલ છે અને તપાસ હાલ ચાલુ છે. આ ગુનામાં પકડાયેલા આરોપી મહેબુબ કાળો સીદીકી જાતે ચાંદલીયા નાનો તાડપત્રી ગેંગનો સભ્ય છે અને આ ગુનાનો વોન્ટેડ આરોપી ઉંમર ફારુક મુસા ચરખા ઘાંચી તાડપત્રી ગેંગનો લીડર છે. પકડાયેલ આરોપી મહેબુબ કાળો સીદ્દીકી નાનો અગાઉ પણ હાઈવે ઉપર પાર્ક કરેલી ટ્રકોમાંથી તથા દુકાન/ગોડાઉનમાંથી સામાન ચોરી કરવાના ગુનામાં આઠેક વખત પકડાઈ ગયેલ છે.