વલસાડઃ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાઈરસની મહામારી સમયે આહિર સમાજના યુવાનોએ વડાપ્રધાન રાહત નીતિમાં ફંડ મોકલવાનું બીડું ઝડપી ગામેગામથી ધન રાશિ એકત્ર કરી આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરને રૂપિયા 5,55,555નો ડીમાન્ડ ડ્રાફ્ટ અર્પણ કર્યો હતો.
કોરોના વાઈરસ સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના આહિર સમાજના યુવાનોએ પણ “ફૂલ નહીં તો ફૂલની પાંખડી” વિચારી PM કેર ફંડમાં ધન રાશિ મોકલવાનો નિર્ણય લીધો હતો.
વડાપ્રધાન રાહત નિધિમાં ફંડ મોકલવા માટે યુવાનોએ તૈયારી દર્શાવતા છેલ્લા બે અઠવાડિયાથી કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ગામે ગામના યુવાનોએ સોશિયલ મીડિયા થકી પ્રચાર કરી ગામે ગામ ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. દરેક ગામમાંથી સારો એવો સહકાર મળતા કુલ રૂપિયા 5,55,555નો ફાળો એકત્ર કર્યો હતો. જે રકમ બેંકમાં જમા કરાવી તેનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી વલસાડ જિલ્લાના સમાજના આગેવાનોએ આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટર સી.આર. ખરસાણને સુપ્રત કર્યો હતો.
વલસાડ જિલ્લા આહીર સમાજ ના પ્રમુખ પ્રકાશભાઈ આહિરે યુવાનોના જુસ્સાને બિરદાવ્યો હતો. આ ઉપરાંત ફંડ એકત્ર કરવાનું નેતૃત્વ લેનારા ગૌરવ આહિર, પ્રિયંક આહિર, કેતન આહિર, ડેગીશ આહિર સહિત વીએપીએલની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તથા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ધરમપુર એપીએમસીના ચેરમેન જીવાભાઇ આહિર વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા.