કચ્છ: ભચાઉના રાપર તાલુકાના ભીમાસરમાં 15 વર્ષીય કિશોરી વિશ્વા પરમારના આપઘાત પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે. વિદ્યાર્થિનીની શાળાના પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે. આચાર્ય કિશોરીને માનસિક ત્રાસ આપતા હોવાથી વિશ્વાએ જીવન ટૂંકાવેલું તેવું આપઘાતના ચાર દિવસે સુસાઈડ નોટ મળતા તેમાં જણાઈ આવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુસાઇડ નોટમાં શાળાના આચાર્યએ માનસિક ત્રાસ અપાયા હોવાનું જણાવ્યું
કિશોરીએ પોતાની સુસાઇડ નોટમાં પોતાના મોત માટે શાળાના આચાર્ય જિજ્ઞાસાબેનને કારણ ગણાવ્યા છે. પ્રિન્સિપાલ હંમેશા ટોર્ચર કરતા હોવાનું અને 'પાસ નકામી કરી' હોવાનું કહેતા. જે બાબતે લાગી આવતા વિદ્યાર્થિનીએ આપઘાત જેવું પગલું ભર્યું હોવાનું તેમાં લખ્યું હતું.
કિશોરીના પિતાએ આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
આપઘાતના ચોથા દિવસે એટલે કે 21 જાન્યુઆરીના રોજ વિશ્વા જ્યાં પોતાનો સામાન રાખતી હતી, ત્યાં તેના મોટા ભાઈને તેની નોટબૂકના પાનાં પર વિશ્વાએ આપઘાત પૂર્વે લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. વિશ્વાના પિતા સવજીભાઈ પરમારે આ સુસાઇડ નોટ લઇને ભીમાસર પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તો ગઇકાલે ભચાઉ પ્રાંત સહિતની હાજરીમાં કિશોરીની દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અને ફોરેન્સિક પી.એમ. માટે જામનગર ખાતે મોકલી દેવામાં આવી હતી.
પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઑટોપ્સી માટે મોકલાયો
ભચાઉના DySP સાગર સાંબડાએ જણાવ્યું હતું કે, વિશ્વાના પિતા સવજીભાઈ ખાનગી કંપનીમાં ઓઈલ પાઈપ લાઈનના સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમની દીકરી વિશ્વા નવમા ધોરણમાં 4 વિષયમાં નાપાસ થઈ હતી, ત્યારે શાળાએ વિશ્વાની પુન:પરીક્ષા લઈ તેને પાસ કરી ધોરણ દસમાં પ્રવેશ આપ્યો હતો. ત્યાર બાદ તેના આચાર્ય તેને અવારનવાર તેને ખોટી પાસ કરી તેવા મેણા મારતા હતા. હાલમાં કિશોરીના દફનાવાયેલાં મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઑટોપ્સી માટે જામનગર મોકલી આપવામાં આવ્યું છે અને શાળાના આચાર્ય જિજ્ઞાસાબેન ચૌધરી વિરુધ્ધ- એટ્રોસીટી એક્ટ તથા વિશ્વાને મરવા મજબૂર કરવાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: