વલસાડઃ દેશમાં જનસંખ્યા વધતી અટકાવા તેમજ ‘બે બાળક બસ‘ના સૂત્રને સાર્થક કરવા આરોગ્ય વિભાગ સક્રિય છે. વલસાડ જિલ્લામાં કુંટુંબ નિયોજક માટે સરકાર દ્વરા દરેક સરકારી દવાખાનામાં મહિલાના ઓપરેશન ફ્રીમાં કરવામાં આવે છે. ત્યારે કપરાડામાં કેટલાક ગામોમાં થોડા વર્ષ પહેલાં કરવામાં આવેલા કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ મહિલા ફરી ગર્ભવતી બની છે. તો બાળકોની માતા બની હોવાની ઘટના સામે આવતા કપરાડા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ ઓપરેશન કરનાર તબીબ સામે પણ સવાલો ઉભા થયા છે. જો કે સમગ્ર બાબતે આરોગ્ય વિભાગ સફાળું જાગી કપરાડામાં બનેલી આવી ઘટનાઓ શોધવા માટે હાલ એક્શન પ્લાન બનાવીને સર્વે કામગીરી શરૂ કરી છે.
સામાન્ય રીતે શિક્ષિત લોકો પરિવાર ચલાવવા માટે લગ્ન બાદ માત્ર એક કે બે સંતાન પછી કુંટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી લેતા હોય છે. જે બાદ તેઓ નિશ્ચિત હોય છે પરંતુ કપરાડામાં એવી ઘટના પ્રકાશમાં આવી છે કે, તમે જાણીને ચોંકી જશો.
કપરાડા તાલુકામાં વર્ષ 2014 બાદ કપરાડા અને નાનાપોઢા પી.એચ.સીમાં કરવામાં આવેલા કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ પણ કેટલાક ગામોમાં મહિલાઓ બાળકોની માતા બની છે. તો આજે ફરી એવી ઘટના સામે આવી છે કે ઓપરેશન બાદ મહિલાઓ ગર્ભવતી બની છે. ત્યારે આવા કિસ્સાઓ બનતા લોકોમાં રમુજી સાથે ઓપરેશન કરનાર તબીબ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.
આવી એક ઘટના કપરાડા ખાતે બની છે. નવી નગરી કપરાડા ખાતે રહેતા ગણેશ ભાઈ સકાભાઈ ગટકાના લગ્ન 2007ની સાલમાં થયા હતા જે બાદ સમયાંતરે તેને 2 છોકરી અને 2 છોકરા હવાથી તેને પરિવાર નિયોજીત કરવા માટે તેની પત્ની શીલા બેનને સમજાવી કપરાડા સી.એચ.સી ખાતે કુંટુંબ નિયોજનનું ઓપરેશન 2014માં કરવામાં આવ્યું હતું. પરંતુ, તે બાદ તેમની પત્ની હાલ ગર્ભવતી છે અને સાત માસનો ગર્ભ છે. જો ઓપરેશન કર્યું હોય તો શીલાબેન ગર્ભવતી કેવી રીતે બની શકે? જેવા ગંભીર સવાલો સરકારી હોસ્પિટલના તબીબો અને આરોગ્ય વિભાગ સામે ઉઠી રહ્યા છે. આ તો માત્ર એક જ કિસ્સો છે કપરાડાના આંબાજંગલ ગામે લક્ષ્મણ શંકર કન્ટેલની પત્ની મયનીબેને 2018માં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. છતાં તે બાદ પણ તે ગર્ભવતી બન્યા હતા.
એટલું જ નહીં, કપરાડા તાલુકાના આસલોણા ગામમાં રશ્મિબેન બેતરીએ ઓપરેશન 2015માં કરાવ્યું હતુ અને ફરી 2020માં બાળકને જન્મ આપ્યો છે. સોમીબેન રમેશભાઈ મસ્યાએ ઓપરેશન 2016માં કરાવ્યું અને 2020માં ફરી બાળક જન્મ આપ્યો છે. ગીતાબેન અનિલભાઈ માનભાવ 2016માં ઓપરેશન કરાવ્યુંને 2020માં ફરી બાળકને જન્મ આપ્યો છે. તેમજ કાકડીબેન પડસુભાઈ મુરાએ 2017માં ઓપરેશન કરાવ્યું ને 2020માં બાળકને જન્મ આપ્યો છે. તાલુકાની આવી કેટલી મહિલાઓ છે કે જેમણે કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવ્યું છે અને ફરીથી બાળકને જન્મ આપ્યો હોવાની વિગતો આવી છે.
આ તમામ મહિલાઓના કુંટુંબ નિયોજન અંગેના ઓપરેશન કરવામાં આવ્યા હોવા છતાં કઈ રીતે ફરીથી ગર્ભવતી બની તે બાબત હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય છે. તેમજ મહિલાઓ ઓપરેશન કર્યા બાદ ફરી ગર્ભવતી બનતા મહિલાઓ સામે પણ ગ્રામીણ કક્ષાએ લોકો શંકાની નજરે જોવાનું શરૂ કરી દેતા હોય છે. હાલ સમગ્ર પંથકમાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
જો કે, આ સમગ્ર બાબતે જ્યારે કપરાડા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મહેશ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે, ઓપરેશન બાદ પણ કપરાડામાં ગર્ભવતી બનેલી મહિલાઓના કિસ્સા સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સમગ્ર બાબતે તપાસ કરી તાત્કાલિક રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કપરાડામાં સમગ્ર વર્ષ દરમિયાન 1900 જેટલા કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવે છે. હાલ કોરોના દરમિયાન અઠવાડિયાના માત્ર ત્રણ દિવસ જ 10 ઓપરેશન કરવામાં આવે છે.