કોરોનાની રફતાર પડી ધીમી
- દમણ,દાદરા નગર હવેલી સહિત વલસાડમાં કોરોનાના કેસમાં ઘટાડો
- વલસાડ જિલ્લામાં શુક્રવારે માત્ર 5 કેસ નોંધાયા
- દમણમાં કોરોનાના 13 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી
વાપીઃ સંઘપ્રદેશ દમણમાં તેમજ દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લામાં ગુરુવારે કોરોનાની રફતાર ધીમી પડી છે. ગુરુવારે 28 કેસ નોંધાયા બાદ વલસાડ જિલ્લામાં શુક્રવારે માત્ર 5 કેસ નોંધાયા હતા. તો દમણમાં 9 અને દાદરા નગર હવેલીમાં 5 કેસ નોંધાતા તંત્રએ અને જનતાએ હાંશકારો અનુભવ્યો હતો.
દમણમાં શુક્રવારે નવા 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીઓને રજા આપવામાં આવી હતી. શુક્રવારે નોંધાયેલા 9 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 5 દર્દીઓ પહેલેથી જ ક્વોરેન્ટાઇન હતાં. એ સાથે દમણમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 129 પર પહોંચ્યો છે. જ્યારે 106 લોકોને અત્યાર સુધીમાં રજા આપવામાં આવી છે.
દમણમાં અત્યાર સુધીમાં નોંધાયેલા દર્દીઓમાં એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ જે તે વિસ્તારમાં જાહેર કરેલા કન્ટેનમેન્ટ ઝોન કુલ 57 થયા છે. જેમાં 18 ડાભેલમાં, 11 કચીગામમાં, 4 દુણેઠામાં, 6 દલવાડામાં, 1 મોટી દમણમાં અને 17 નાની દમણ પાલિકા વિસ્તારમાં છે.
દમણમાં દિનપ્રતિદિન વધતા કોરોના પોઝિટિવ કેસને રોકવામાં આરોગ્ય વિભાગ અને પ્રશાસનની ટીમ સતત પ્રયત્નો કરી રહી છે. શુક્રવારે પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ જે તે વિસ્તારમાં રહેણાંક મકાનો અને ઇમારતોને સિલ કરવાની કામગીરી હાથ ધરી હતી.
આ તરફ દાદરા નગર હવેલીમાં કોરોનાની રફતાર ધીમી પડી છે. શુક્રવારે નવા 5 કોરોના પોઝિટવ દર્દીઓ નોંધાયા હતા. તો 6ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં કુલ 102 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 106ને સારવાર આપી રજા આપવામાં આવી છે.
શુક્રવારના રોજ નોંધાયેલા 5 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે સાઈ દીપ કોમ્પ્લેક્ષ નવો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં કુલ 64 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સેલવાસ પાલિકા વિસ્તારમાં જ 33 કન્ટેનમેન્ટ ઝોન છે. જ્યારે જિલ્લા પંચાયત વિસ્તારમાં સૌથી વધુ નરોલી પંચાયતમાં 8, દાદરા, ખાનવેલ અને ગલોન્ડા પંચાયતમાં 4-4 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સામરવરની પંચાયતમાં 5 તો, રાખોલી, ખરડપાડા, સીંદોની, મસાટ, સુરંગી પંચાયતમાં 1-1 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જયારે વલસાડ જિલ્લામાં ગુરુવારે રેકોર્ડબ્રેક 28 કેસ એક જ દિવસમાં નોંધાયા બાદ શુક્રવારે અચાનક કોરોનાના પંજા પર બ્રેક લાગી ગઈ છે. શુક્રવારે વલસાડ જિલ્લામાં નવા 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર અને લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.
શુક્રવારે વલસાડ જિલ્લામાં 14 દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી, હાલ કુલ 322 કેસમાંથી 122 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા બાદ હજુ 184 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. શુક્રવારના રોજ નોંધાયેલા પોઝિટિવ દર્દીઓમાં 3 વલસાડ તાલુકાના છે. જ્યારે 1-1 દર્દી વાપી અને પારડી તાલુકાનો છે.