- આરોગ્ય અધિકારીએ શ્રીફળ વધેરી આવકાર આપ્યો
- 16 જાન્યુઆરીના રોજથી 9 આરોગ્ય કેન્દ્ર ઉપરથી 900 આરોગ્ય કર્મીઓને રસીકરણ કરશે
- મોડી સાંજે 9 વાગ્યે કોવિશીલ્ડ રસીનો પ્રથમ તબક્કાનો જથ્થો વલસાડ આવી પહોંચ્યો
વલસાડ : 16 જાન્યુઆરીથી કોવિશીલ્ડ રસી આપવાની શરૂઆત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવનાર છે. ત્યારે વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ માટે પણ 16,200 જેટલી વેક્સિનનો જથ્થો બુધવારે મોડી સાંજે સુરતથી વલસાડ આરોગ્ય વિભાગના સ્ટોરેજ ખાતે લાવવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્વને હચમચાવનાર કોવિડની રસી વલસાડ ખાતે આવી પહોંચતા આરોગ્ય વિભાગના અધિકારી અનિલ પટેલે શ્રીફળ વધેરીને તેને આવકારી હતી.
16 જાન્યુઆરીના રોજ પ્રથમ 900 આરોગ્યકર્મીને રસી આપવામાં આવશે
16 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રમોદી વર્ચ્યુલ માધ્યમ દ્વારા રસીકરણ શરૂ કરશે. જે મુજબ વલસાડ જિલ્લામાં પણ 9 આરોગ્ય કેન્દ્ર ઉપરથી 900 કર્મચારીઓને રસીકરણ કરવામાં આવશે. જે માટે તૈયારી કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં 1332 કોરોના પોઝિટિવ નોંધાયા, જ્યારે 13 એક્ટિવ કેસ છે
વલસાડ જિલ્લામાં અત્યારે સુધી માં 1332 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં હાલ અત્યારે જિલ્લા માં કુલ 13 જેટલા કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ છે જેની સારવાર ચાલી રહી છે
વેક્સિન રાખવા માટે 99 લીટરના ત્રણ ફિઝ અને અન્ય આધુનિક સુવિધા
16,200 જેટલી કોવિશિલ્ડ વેક્સિન વલસાડ આવી પહોંચતા આરોગ્ય વિભાગ દ્વારા તેને યોગ્ય તાપમાનમાં રાખવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સ્ટોરેજમાં ત્રણ 99 લીટરના ફ્રીજ સહિત અન્ય આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. 3 નવા ફ્રીઝ ખરીદવામાં આવ્યા છે. આમ સમગ્ર વલસાડ જિલ્લામાં 16,200 લોકોને રસી આપવા માટે તેમજ તેને સ્ટોરેજ માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ વ્યવયસ્થા ઉભી કરવામાં આવી છે.