કપરાડા : તાલુકાના સુખાલા ગામે આવેલી હાઈસ્કૂલ ફળિયામાં આજથી શિવ શક્તિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શનિવારના રોજ વહેલી સવારે બે સુધી તેમજ નગરયાત્રા મંડપ પ્રવેશ તેમજ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શાસ્ત્રોકત વિધિ વિધાન અનુસાર યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી. યજ્ઞ આચાર્ય ડોક્ટર નયનભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યજમાન દિનેશભાઈ પાડવી તથા કલ્પનાબેન પાડવી તેમજ તેમના પરિવારજનોના ઉપસ્થિતિમાં નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન નવચંડી યજ્ઞમાં આશીર્વચન મેળવવા માટે સુખાલાના રાજકીય અગ્રણી પ્રકાશભાઈ પટેલ તેમજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન બપોરે યોજાયેલા મહાપ્રસાદમાં સુખલા ગામ અને તેની આસપાસમાં રહેતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાભ લીધો હતો.