પારડી તાલુકાના અંબાચ ગામે રઘુજી ફળીયામાં છેલ્લા 40 વર્ષથી રાધેશ્યામ યુવક મંડળ દ્વારા 7 દિવસથી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. જેની ગઇકાલે ઉત્સાહપૂર્વક વિસર્જન યાત્રા નીકળી હતી. જે કપરાડા તાલુકાના અંભેટી ગામે ખરેડા નજીક કોલક નદીમાં વિસર્જન કરવા નદીમાં ચાર લોકો ઉતર્યા હતા. ગઈકાલે કોલક નદીમાં પાણી વધારે હોવાથી અરવિંદભાઈ પટેલ નામનો 50 વર્ષીય શખ્સ નદીના પાણીના પ્રવાહમાં ડૂબવા લાગતા. ત્યાં ઉતરેલ પૈકી એક બે લોકો તેને બચાવવા માટે પહોંચે તે પહેલા તો નદીના પ્રવાહમાં તે શખ્સ ડૂબી જતા વિસર્જનના ઉત્સવનો માહોલ શોકમાં પલટાયો હતો. ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવતા પોલીસ અને વાપી પાલિકાની ફાયર ટીમના તરવૈયાઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જો કે, રાત્રે મોડું થઈ જતા આજે વહેલી સવારથી સ્થાનિકો એ ફરીથી શોધખોળ હાથ ધરી હતી.
નોંધનીય છે કે, ગણેશ વિસર્જન બાદ ફળીયામાં 700 વ્યક્તિઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વિસર્જન દરમ્યાન બનેલી ગોઝારી ઘટના બાદ તમામ બનેલ રસોડાનું ભોજન જેમનું તેમજ રહી જવા પામ્યું હતું.