- ઉમરગામ-નારગોલ દરિયામાં રાત્રે એર ફાયર
- પોલીસની ટીમ 3 બોટ સાથે દરિયામાં ગઈ
- દમણ કોસ્ટગાર્ડે લાપતા લોકોને શોધવા છોડ્યું એર ફાયર સિગ્નલ
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ નજીક દરિયામાં ગઈ રાત્રીએ બચાવ અંગે છોડવામાં આવતા એર ફાયર દેખાયા હતાં. જેની જાણકારી ઉમરગામ પોલીસને મળતા પોલીસની ટીમ રાત્રે મધદરિયે તપાસમાં જોતરાઈ હતી. જેમાં કલાકોની શોધખોળ બાદ આખરે દમણ કોસ્ટગાર્ડનો સંપર્ક કરતા આ સિગ્નલ મુંબઈ નજીક તોફાનમાં ડૂબેલા બાર્જ P-305માંથી લાપતા લોકોને શોધવા છોડાયું હોવાનું જાણવા મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો: દ્વારકા દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઇ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ
દરિયામાંથી હવામાં આગના ફાયર કરવામાં આવ્યાં
ઉમરગામના દરિયા કિનારેથી મધ દરિયામાં રાત્રે એયર ગનના ફાયરની જાણકારી ઉમરગામ પોલીસને મળતા જિલ્લા પોલીસ અધિકારીઓ સહિત ઉમરગામ પોલીસનો કાફલો એ માટે તપાસમાં ગયો હતો. પોલીસને જાણકારી મળી હતી કે, દરિયામાંથી હવામાં આગના ફાયર કરવામાં આવ્યાં છે. કદાચ આ ફાયર બચાવ માટે હોઈ શકે છે. જાણકારી આધારે ઉમરગામ પોલીસની ટીમ સ્થાનિક માછીમારોની ત્રણ બોટ સાથે બચાવ માટે રવાના થઈ હતી.
કોસ્ટગાર્ડની સ્પીડ બોટમાંથી ફેંકાયું હતું ફાયર સિગ્નલ
આ અંગે ઉમરગામ પોલીસ મથકના PI વી. એચ. જાડેજા સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કલાકોની શોધખોળ બાદ દરિયામા અંધારું હોવાના કારણે સિગ્નલવાળી દિશામાં કશુ જ હાથ નહીં લાગતા પોલીસ ટીમ પરત આવી હતી. જે બાદ આ અંગે દમણ કોસ્ટગાર્ડનો સંપર્ક કરતા આ ફાયર તેમની સ્પીડ બોટમાંથી ફેંકાયું હોવાનું જણાવ્યું હતું. વધુમાં વિગતો આપી હતી કે, તૌકતે વાવાઝોડા દરમિયાન મુંબઈ નજીક દરિયાના તોફાનમાં ડૂબેલા બાર્જ P-305માંથી 49 જેટલા લાપતા લોકોને શોધવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતના દરિયામાં કોઈ તણાઈને આવ્યા હોય તેવા અંદેશા સાથે ઉમરગામ-નારગોલ દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેની જાણ ગુમ થયેલા લોકોને થાય એ માટે 3 જેટલા ફાયર સિગ્નલ છોડવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો: "તૌકતે" વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ ખડેપગે દરીયા કાઠે
સ્થાનિક લોકોએ પોલીસને કરી જાણ
ઉમરગામ-નારગોલ દરિયામાં થયેલા એર ફાયર સિગ્નલ દરમિયાન સ્થાનિક લોકોએ તેના ફોટા પાડી પોલીસને જાણકારી આપી હતી. જે બાદ સ્થાનિક પોલીસે જિલ્લા પોલીસવડાની સૂચના આધારે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસ પાસે સ્થાનિક માછીમારોની સામાન્ય બોટ હતી. જ્યારે કોસ્ટગાર્ડ પાસે અદ્યતન સ્પીડ બોટ હોય પોલીસ ફાયર થયેલા સ્થળ નજીક પહોંચી ત્યારે કોસ્ટગાર્ડની ટીમ આગળ વધી ગઈ હતી. એટલે કોઈ ચોક્કસ માહિતી સાંપડી નહોતી અને કલાકોની શોધખોળ કરી પરત આવવું પડ્યું હતું. જો કે તે બાદ કોસ્ટગાર્ડ તરફથી સાચી માહિતી મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.