ગ્લોબલ વોર્મિગના કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ કેરીના પાકનો પણ પગપેસારો ધીમી ગતિએ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે નિશ્ચિતપણે કેરી રસિયાઓને કેરી ખરીદવા માટે પોતાના ખિસ્સા હળવા કરવા પડશે.
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ જિલ્લા માંથી નીકળતી કેરી સમગ્ર ભારત સહિત વિશ્વમાં પણ જાણીતી બની છે. હાલ વાતાવરણમાં આવેલા પલટાને લઈને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. ખેડૂતો સાથે વાતચીત કરતાં ખેડૂતોએ જણાવ્યું કે, વલસાડ જિલ્લાની ઓળખ સમી હાફૂસ કેરીના પાક ઉપર વાતાવરણની સીધી અસર જોવા મળે છે. ખાસ કરીને જ્યારે આકાશમાં વાદળોની રમત ચાલતી હોય ત્યારે હાફૂસના ઝાડ ઉપર આવેલા મોરવા કાળા થઈને ખરી જતા હોય છે, અને ચાલુ વર્ષે પણ ખેડૂતો સાથે કંઈક આવું જ બન્યું છે. આંબે બેસેલી મંજરી ઉપર માર્ચ અને એપ્રિલ માસમાં નાની-નાની કેરીઓ આવી જાયા છે, પરંતુ મોતીના દાણા જેટલી કેરી થયા પૂર્વે આકાશમાં વાદળોની રમત અને સાથે કેટલાક વિસ્તારમાં અચાનક વરસાદી માહોલ સર્જાતા અનેક સ્થળે આંબાવાડીઓમાં કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. જેની સીધી અસર કેરીના ઉત્પાદન ઉપર જોવા મળે છે.
ખેડૂતોનું કહેવું છે કે, વર્ષ દરમિયાન તેઓ કેરીના પાકથી આવક મેળવતા હોય અને કેરીનો ખૂબ ધન મેળવવા માટે તેઓ રાસાયણિક દવાઓ ખાતર સહિતની ચીજવસ્તુઓમાં નાણાંનો વ્યય કરે છે. પરંતુ ઉત્પાદન એટલુ નથી થતું. તેમણે ખર્ચેલા નાણાં પણ તેમને પરત મળી શકતા નથી. જોકે ચાલુ વર્ષે કેરીનો પાક ઓછો નીકળવાને કારણે કેરીની કિંમતમાં ભાવ વધારો જોવા મળશે. જેના કારણે કેરી રસિયાઓને પોતાની મનપસંદ કેરી ખરીદવા માટે પોતાના ખિસ્સા હળવા કરવા પડશે.
અત્રે નોંધનીય છે કે, એક તરફ જ્યાં કેરીના પાકને નુકસાન છે, ત્યાં બીજી તરફ વલસાડના ધરમપુર માર્કેટમાં ધીમી ગતિએ ફળોના રાજાનું આગમન થઈ ચૂક્યું છે. અહીંના એક વેપારી ભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, છેલ્લા દસેક દિવસથી તેમને ત્યાં ખેડૂતો કેરીના વેચાણ માટે આવી રહ્યા છે. વર્તમાન સમયે હાફૂસ કેરીનો ભાવ 20 કિલોના 1500 રૂપિયા બોલાઇ રહ્યા છે.
જ્યારે અથાણા માટે ગૃહિણી ઉપયોગમાં લેતી રાજાપુરી કેરી ભાવ 700 થી 800 રૂપિયા સુધી રહી શકે છે. સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, હાલ ખેડૂતો જે કેરીઓ લઈને આવે તેમાં પણ વાતાવરણની અસર કેરીના પાક ઉપર જોવા મળી રહી છે. તેમ છતાં પણ વલસાડના ધરમપુરથી દરરોજ કેરીઓ દુબઈ અને શારજહાં સુધી એક્સપોર્ટ કરવામાં આવી રહી છે.