વલસાડ: નાનાપોંઢા વન વિભાગની ટીમે કોઠાર બારી ફળિયામાં એકાંત અને જંગલ વિસ્તારમાં તૈયાર કરેલા ખેરના લાકડાનો વિપુલ જથ્થો પ્લાસ્ટિકની આડમાં સંતાડીને રાખી હોવાની મળેલી બાતમીના આધારે આર.એફ.ઓ. અજીતસિંહ રાઠોડ અને તેના સ્ટાફ સહિતના કર્મચારીઓએ બાતમી વાળી જગ્યાએ છાપો મારતા સ્થળ ઉપરથી પ્લાસ્ટિકની થેલીઓની આડમાં સંતાડી રાખેલા 216 નંગ જેટલા ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. નાનાપોંઢા જંગલ વિભાગના કર્મચારીઓએ સમગ્ર બાબતે તેની માપણી કરતા અંદાજિત 72000 રૂપિયાના લાકડાનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું.
જેમાં વનકર્મીઓએ લાકડાનો જથ્થો ટેમ્પોમાં ભરીને નાનાપોંઢા રેંજ કચેરીમાં જમાં કરાવ્યો હતો. જો કે, પકડાયેલ ખેરના લાકડાનો જથ્થો કોણે રાખ્યો હતો. તેમજ કોણે કપાવ્યો હતો. તે અંગેની તપાસ નાનાપોઢા રેંજ ફોરેસ્ટ વિભાગે હાથ ધરી છે.
નોંધનીય છે કે, સરકારના નિયમ અનુસાર જંગલ ખાતા કાયદા મુજબ ખેર કાપવા અને તેનું ગેરકાયદેસર વહન કરવું એ કાયદાકીય રીતે ગંભીર ગુનો બને છે. જો કે, મળી આવેલા લાકડાનો જથ્થો કોઈ ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કાપવામાં આવ્યો હોવાને લઈને જ તેને પ્લાસ્ટિકની આડમાં છુપાવી રાખવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.