વલસાડ જિલ્લાના જેસપોર ગામે આવેલી 1થી 8 ધોરણની પ્રાથમિક શાળામાં 122 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેના માટે એસએમસી કમિટી અને ગામના અગ્રણીઓ દ્વારા આચાર્યની બદલી રોકવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ સ્કૂલની બહાર આવેલા જલારામ મંદિરના પ્રાંગણમાં મંડપ લગાવીને ગામના અગ્રણીઓ, સરપંચ, એસએમસી કમિટી અને 122 જેટલા વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ બાળકોએ સ્કૂલમાં આવતું મધ્યાહન ભોજન લેવાનું પણ ટાળ્યું હતું.
આ શાળાના બાળકો જણાવી રહ્યા હતા કે, જ્યાં સુધી તેમના આચાર્યની બદલી રોકવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ સ્કૂલમાં પ્રવેશ કરશે નહીં. તેની સાથે-સાથે તેઓ સ્કૂલની બહાર લગાવેલા મંડપમાં બેસીને અભ્યાસ કરશે. ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, 5 વર્ષથી જ્યારથી આ નવા આચાર્ય અહીં આવ્યા છે. ત્યારથી સ્કૂલના વિકાસમાં તેમજ શિક્ષણનું સ્તર સુધર્યું છે. તેમજ આચાર્યએ ડ્રોપ આઉટ રેશિયો સુધારવા માટે ઘરે ઘરે ફરીને બાળકોને સ્કૂલમાં શિક્ષણ લેતા કર્યા છે. જેના કારણે તેઓ બાળકોમાં લોકપ્રિય છે. તેની સાથે સાથે ગ્રામજનો પણ તેઓનો આદર કરે છે. જેને લઈને હાલમાં જ જિલ્લા પંચાયત દ્વારા આચાર્યની બદલીના ઓર્ડર થતા આ બદલી રોકવા માટે વિદ્યાર્થીઓ ,વાલીઓ અને એસએમસી કમિટી દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે, આરટીઇ મુજબ ધોરણ 1થી 5માં દોઢસો વિદ્યાર્થી અને ધોરણ 6થી 8માં 100 વિદ્યાર્થી હોય તો સ્કૂલમાં આચાર્ય પદ મળી શકે તેમ છે. પરંતુ 1થી 5 ધોરણમાં 78 અને 6થી 8 માં 85 વિદ્યાર્થી જેસપોર સ્કૂલમાં છે. જે આરટીઇની ગાઈડ લાઇન મુજબ બેસે એમ નથી. જેથી જે છેલ્લા 5 વર્ષથી યથાવત છે. આ ઓર્ડર અચાનક આવતા આચાર્ય અને ગ્રામજનો પણ મુંઝવણમાં મુકાયા છે. તેમજ આચાર્યની બદલીના વિરોધ કરી રહ્યા છે.