વલસાડ જિલ્લામાં રેતી માફિયાઓ દ્વારા નદીમાં હોડી ઉતારી મશીન મૂકીને હજારો ટન રેતી ઉલેચવામાં આવે છે. અગાઉ સ્થાનિકોના વિરોધને કારણે વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગના ધર્મેશ ઓડે રેડ પાડી હતી. પરંતુ, કેટલાક ગણ્યા ગાંઠ્યા જ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતાં. ગણતરીના લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ એ વાતને માત્ર 12 માસ પણ પૂર્ણ થયા નથી ત્યાં ફરીથી ગાઢવી, માલૂંગી અને ટુકવાડા જેવા ગામોમાંથી વહેતી દમણગંગા નદી ઉપર રેતી માફિયા સક્રિય બની ગયા છે.
જો કોઈ સ્થાનિકો તેમને અટકાવવાનો પ્રયત્ન કરે તો તેમને માફિયાઓ દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવી હતી. નદીમાં ઓઇલ એન્જીન મશીન દ્વારા રેતી કાઢતા નદીમાં ઓઇલ પણ ભળી રહ્યું છે. જે જળ પ્રદુષણ ઉત્પન્ન કરતા નદીનું પાણી પણ પ્રદુષિત થાય છે. આ સમગ્ર બાબતના કેટલાક વીડિયો સ્થાનિકો દ્વારા જીવના જોખમે લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામા આવ્યા હતાં. કલેકટરને સમગ્ર બાબતની જાણ થતા તેમના દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ, હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ કરવામા આવી નથી.