વલસાડઃ મૂળ પારડીમાં રહેતા અને અમદાવાદ ખાતે અભ્યાસ કરતા દિકરાની સાથે વાપી સ્ટેશને ટ્રેન પકડવા નિકળેલી માતા તેમજ મામાની કારને મોતીવાડા હાઇવે પર સામેની બાજુથી ડિવાયડર કૂદી ધસી આવેલી કાર ધડાકાભેર અથડાતાં ભાઈ બહેનનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજયું હતું. જ્યારે દિકરાને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
પારડી શહેરના શ્રોફ સ્ટ્રીટમાં રહેતા અને અમદાવાદ ખાતે અભ્યાસ કરતા વેદાંત ભટ્ટ તેમજ તેની માતા પ્રતિક્ષાબેન દેવાંગભાઈ ભટ્ટ તેજસ એક્ષપ્રેસમાં વાપીથી અમદાવાદ જવાના હતા. જે કારણે આનંદ રમેશભાઈ પુરોહિત(મામા) તેમને વાપી સ્ટેશને મૂકવા માટે પોતાની કારમાં રવિવાર સાંજે ચારેક વાગ્યે પારડીથી વાપી તરફ જવા નીકળ્યા હતા.
આ દરમિયાન મોતીવાડા નજીકમાં નેશનલ હાઇવે 48 પર સામેના ટ્રેક પરથી પસાર થતી કારને પાછળથી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ડિવાયડર કૂદી કાર ધડાકાભેર સેલેરીયો કાર સાથે આવીને અથડાઈ હતી. આ અકસ્માતમાં ભાઈ બહેનનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. વેદાંત ભટ્ટને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેને વધુ સારવાર માટે પારડી કુરેશી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ભાઈ બહેનના અકસ્માતમાં મોતના સમચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જો કે, ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.