- હનુમાન મંદિરના જિર્ણોદ્ધાર માટે કર્ણાટકથી લાવવામાં આવી રહ્યો છે પવિત્ર શીલાનો રથ
- વાપીમાં શીલા રથના દર્શન અને પૂજનનો કાર્યક્રમ
- શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે સંતો મહંતોના હસ્તે શીલાનું પૂજન કરી પ્રસ્થાન કરાવ્યું
વલસાડઃ આણંદ જિલ્લાના લાંભવેલા હનુમાન મંદિર ખાતે મંદિરના જિર્ણોદ્ધાર માટે કર્ણાટકથી લાવવામાં આવી રહેલો પવિત્ર શીલાનો રથ મંગળવારે વાપી પહોંચ્યો હતો. જ્યાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે સંતો મહંતોના હસ્તે પ્રથમ વખત શીલાનું પૂજન કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાના હસ્તે શીલા રથનું કરાયું હતું પ્રસ્થાન
આણંદના લાંભવેલા હનુમાન મંદિરના જીર્ણોદ્ધારમાં હનુમાનજીના જન્મસ્થળ કહેવાતા કર્ણાટકના હમ્પી ક્ષેત્રમાં આવેલા અંજનેય પર્વતની શીલાનો ઉપયોગ થવાનો છે. જે માટે ગત 10મી જાન્યુઆરીએ કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાના હસ્તે પવિત્ર શીલા રથનું પ્રસ્થાન કરાવ્યાં બાદ તે શીલારથ મંગળવારે 12મી જાન્યુઆરીએ વાપીમાં પ્રવેશતા વાપીમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે પ્રથમ શીલા પૂજન કરવામાં આવ્યું હતું.
વાપીમાં શિલાનું પ્રથમ પૂજન કરાયું
ભારત વર્ષમાં પ્રથમ વખત હનુમાનજીના જન્મ સ્થળ કર્ણાટકના હમ્પી ક્ષેત્રમાં આવેલા હનુમાનજીના જન્મસ્થાન એવા અંજનેય પર્વતથી શીલા મંગાવી તેનો ઉપયોગ મંદિર નિર્માણમાં થઈ રહ્યો છે. તે અંગે વાપીમાં શીલાના પ્રથમ પૂજનનો લાભ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે સંતો- મહંતો અને નગરજનોને મળ્યો હોય સંસ્થાના કપિલ સ્વામીએ આભારની લાગણી પ્રગટ કરી હતી.
શીલા દર્શનનો ભક્તોએ લાભ લીધો
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન ખાતે શસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શિલાનું પૂજન કરાયું હતું. જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં પધારેલા રામ ભક્તો, હનુમાન ભક્તોએ લીધો હતો.
1250 વર્ષ પહેલાં દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા
હનુમાનજીના જન્મસ્થળની શીલાનો ઉપયોગ જે મંદિરના જીર્ણોદ્ધારમાં થવાનો છે. તે મંદિર આણંદમાં શ્રી લાંભવેલા હનુમાન તરીકે પ્રસિદ્ધ છે. અહીં 1250 વર્ષ પહેલાં એક આંકડાના થડમાં સ્વભું હનુમાન દાદા પ્રગટ થયા હતા.
સેવા-પૂજાના 500 વર્ષના ઉપલક્ષ્યમાં ભવ્ય આયોજન
શ્રી લાંભવેલા હનુમાનજી દાદાની સેવા પૂજા કરતા મેવાડા બ્રાહ્મણ પરિવારના કાર્યકાળને આવતા ઓગસ્ટ 2023 ના રોજ 500 વર્ષ થવા જઈ રહ્યા છે. ત્યારે સમાજના લોકો દ્વારા સમાજના સહયોગથી લાંભવેલા હનુમાનજી મંદિર ખાતે મંદિર અને પરિસરનું ભવ્યાતિભવ્ય પુનનિર્માણ કરવામાં આવી રહ્યું છે અને એ માટે કર્ણાટકના કોપલ જિલ્લામાં આવેલા હમ્પી ક્ષેત્રના અંજનેય પર્વતની શીલાનો ઉપયોગ કરવાની નેમ સેવી છે.
અંજનેય પર્વત પર માતા અંજનીએ તપ કર્યું હતું
કહેવાય છે કે, કર્ણાટકના કોપલ જિલ્લાના હમ્પી ક્ષેત્રના અંજનેય પર્વતમાળા પર માતા અંજનીએ પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવ પાસેથી વરદાન મેળવવા તપ ધ્યાન કર્યું હતું અને હનુમાનજીનો જન્મ થયો હતો. એટલે આ સ્થળ હનુમાનજીનું જન્મસ્થળ મનાય છે. ભારતમાં પ્રથમ વખત હનુમાનજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે તેના જન્મસ્થળથી શીલા મંગાવી તેનો ઉપયોગ મંદિર નિર્માણમાં થઈ રહ્યો છે.
મંદિર અંગેની વિગતો
ઉલ્લેખનીય છે કે, શ્રી લાંભવેલા હનુમાનજી મંદિર સંસ્થાન ખાતે નિર્માણ પામનારા મંદિરમાં હનુમાન મંદિર ઉપરાંત શંકર મંદિર, રામ મંદિર, અંબા મંદિરનું નિર્માણ કરાશે. મંદિર પ્રાંગણમાં કીર્તિસ્તંભ, યજ્ઞશાળા, સંત નિવાસ, સત્સંગ હોલ, લગ્ન વાડી, ઉતારા ભવન, કોન્ફરન્સ હોલ, દવાખાનુ, ફૂડ કોર્ટ વગેરે સુવિધા નિર્માણ પામશે. મંદિર સંસ્થાનની જમીનનું કુલ 1,70000 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ છે. જેમાં 11,630 ક્ષેત્રફળમાં મંદિર નિર્માણ પામશે. જેની લંબાઈ 139 ફૂટ, પહોળાઇ 108 ફૂટ અને ઊંચાઈ 63 ફૂટ હશે. ત્રણ શિખર ધરાવતા મંદિરમાં કુલ 76 સ્તંભ, 6 ઘુમ્મટ, 720 કળશ સાથે 11 દરવાજા ધરાવતું આ મંદિર હશે. મંદિર જીર્ણોદ્ધારમાં 51,000 ઘનફૂટ શીલાનો ઉપયોગ થશે. મંદિર ખાતે 31 ફૂટ ઊંચી રામની મૂર્તિ પણ બનાવવામાં આવશે. અંદાજિત 21 કરોડના ખર્ચે તૈયાર થનારા મંદિરનો સમયગાળો 32 મહિનાનો છે.