વાપી: કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના ફેલતો અટકાવવા માટે દેશને લોકડાઊન કરવામાં આવ્યું છે. જેને કારણે લોકોમાં પોતાની જીવનજરૂ્રિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે અફરાતફરીનો માહોલ ફેલાયો છે. અને લોકો ભીડ ભેગી કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને વાપી નગરપાલિકા દ્રારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં જીવનજરૂરિયાત ગણાતી શાકભાજી અને કરિયાણાની જરૂરી વસ્તુઓ અંતર સાથે ખરીદી કરી શકે તેની માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે વાપીમાં અલગ અલગ સ્થળો પર 4 શાકમાર્કેટ ઉભી કરવામાં આવી છે. જેમાં 3 ફૂટના અંતરમાં એક એક કુંડાળા કરવામાં આવ્યાં છે. શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકો એમા ઉભા રહી એકબીજાથી અંતર જાળવી શાકભાજીની લારી પર જઈ શાકભાજીની ખરીદી કરી શકે છે. આ વ્યવસ્થાથી લોકો એક બીજાથી અંતર રાખી રોગથી બચી શકે છે. અને બીજાને પણ બચાવી શકે છે.
આ વયવ્સથા અંગે નગરજનોએ જણાવ્યું હતું કે આ મહાભયંકર રોગ સામે વ્યક્તિનું વ્યક્તિથી અંતર એ જ ખૂબ મહત્વનું છે. હાલ માણસ જ માણસ માટે એટમબોમ્બ સાબિત થઈ શકે છે. એટલે આ વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. એ ઉપરાંત લોકોએ પણ એકબીજાને મદદરૂપ થવું જરૂરી છે. બની શકે તો એક જ સોસાયટીમાં જો લોકો સાથે રહેતા હોય તો તેમાંથી એક કે બે જ વ્યક્તિઓ બહાર આવો અને તમામ માટે ખરીદી કરી મદદરૂપ બનવું જોઇએ , પાલિકાની આ વ્યવસ્થા ખૂબ જ સારી છે. એનાથી લારીઓ પર ધક્કામુક્કી નથી થતી અને કોરોનાનો ચેપ લાગવાનો ડર પણ રહેતો નથી રહેતો.
ઉલ્લેખનીય છે કે વિશ્વના 196 દેશને પોતાના ભરડામાં લીધા બાદ કોરોના નામની આ મહામારીએ વિશ્વમાં 21000 થી વધુ લોકોને મોતના ખપ્પરમાં હોમી દીધા છે. ત્યારે સેફ ડિસ્ટન્સ અને હોમ સ્ટે જ આ વાયરસ સામે લડવાનો એક માત્ર ઉપાય છે.જેથી વાપી નગરપાલિકાએ વાપીના કુમારશાળા મેદાન ઉપરાંત, ચલામા વોર્ડ નમ્બર 1 અને 2માં, RGSH હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અને સુલપડ કુમારશાળા મેદાન એમ ચાર સ્થળોએ આ વ્યવસ્થા ઉભી કરી છે. આવી જ વ્યવસ્થા દરેક કરિયાણાની દુકાને પણ ઉભી કરવા માટે કરિયાણાના વેપારીઓને પણ પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.