સરીગામ: વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં પૂંઠાના બોક્સનો કલર બનાવતી સેવન ઇલેવન નામની કંપની છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. આ કંપનીમાં ગુરુવારે વહેલી સવારે 5થી 5:30 વચ્ચે ભીષણ આગ લાગી હતી. જેમાં કંપનીને અંદાજિત રૂપિયા 5 કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ બુધવારે કંપનીમાં વિક્લી ઓફ હતો, એટલે કોઈ જ કર્મચારી કંપનીમાં હાજર ન હતા. માત્ર સિક્યુરિટીના માણસો હતા. તેમના કહેવા મુજબ કંપનીમાં અચાનક એક મોટો ધડાકો થયો હતો અને ભીષણ આગ લાગી હતી. જે બાદ સરીગામ, ઉમરગામ, વાપી, દમણ અને સેલવાસના ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા હતા. જો કે, 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
આગની ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસવડાને થતા DYSP અને પોલીસ સબઇન્સ્પેક્ટર સાથે સરીગામ આગનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ જવાનોને તાકીદ કરી હતી. આગની ઘટના અંગે કંપનીના માલિક રાજુભાઇ લોઢા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આગ વહેલી સવારે 5થી 5:30માં લાગી હતી. જેમાં 80 ટકા રો-મટેરિયલ બળીને ખાક થઈ ગયું છે. તો આ સાથે કંપનીની મશીનરીને પણ મોટુ નુકસાન થતા અંદાજિત 4થી 5 કરોડના રો-માટેરિયલ અને મશીનરી બળીને ખાક થઈ ગયા છે. આ ઘટનામાં એક મોટી જાનહાની ટળી છે.