કપરાડા તાલુકાના આરણાઈ ગામે પ્રાથમિક સ્કૂલમાં તાલુકાના 12 જેટલા ગામના લોકોને સરકારી યોજના અને જન્મ, મરણ, લગ્ન વગેરેના દાખલા મળી રહે તે માટે 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તે સ્કૂલ બિલ્ડીંગ 1960માં બનાવવામાં આવી હતી અને 5થી 6 જેટલા ઓરડા તો જર્જરિત હોવાના કારણે શિક્ષક દ્વારા 2 વર્ષ પહેલાં તોડી પાડવા મંજૂરી માગવામાં આવી હતી. આવા જર્જરિત ઓરડા વાળી શાળામાં તાલુકાના 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
'સેવા સેતુ' કાર્યક્રમમાં 12 જેટલા ગામના લોકો સમય અને પૈસાનો વ્યય કરી ભાગ લેવા પહોંચ્યા હતા. પરંતુ આધાર કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, આવક, જાતિના દાખલા જેવી મહત્વની સુવિધાઓ આપવામાટે ઈન્ટરનેટની સુવિધા જ નહોતી. જેથી, મેન્યુલ અરજી લઈ આવનાર લોકોને કપરાડા મામલતદાર કચેરી અને તાલુકા કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા.
જોગવેલ ખૂટલી, પાનસ, મોતીવાહિયાલ, ખેરડી, આરણાઈ, આમધા, નળી મધની, નાનાપોઢા, બાબરખડક, વડખંભા અને કુંડા જેવા ગામના લોકો માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, કપરાડાના મામલતદાર કમલેશ સુમારે અને તાલુકા વિકાસ અધિકારી સહિત ગામના આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.