વલસાડ : જિલ્લામાં આગામી દિવસોમાં આવનારા પરંપરાગત ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી સામે જિલ્લા મેજિસ્ટ્રેટ આર. આર. રાવલે નોટિફિકેશન બહાર પાડી પ્રતિબંધ જાહેર કર્યો છે. જેમાં ચાલુ વર્ષે ગણેશોત્સવ, જન્માષ્ટમી, બકરી ઇદ, મહોર્રમના તહેવારોના જાહેર ઉત્સવો કરવા પર રોક લગાવી દેવામાં આવી છે.
આ પર્વની ઘરમાં જ પૂજાઅર્ચના કરવા અને મૂર્તિઓને ઘરોમાં જ વિસર્જન કરી શકાશે. જેના માટે જૂલુસ શોભાયાત્રા,વિસર્જન યાત્રા કાઢી શકાશે નહીં. નોટિફિકેશનની સૂચનાઓનો ભંગ કરનાર વિરૂદ્ધ ગુનો દાખલ કરવા પોલિસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
વલસાડ કલેકટરના આ જાહેરનામાની જાણે કોઈ જ કિંમત ન હોય તેમ ઉમરગામ તાલુકામાં અને અન્ય તાલુકામાં મૂર્તિકારોએ ડેરા તંબુ તાણી મૂર્તિઓનું વેંચાણ શરૂ કરી દીધું છે. જેમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિ તેમજ 2 ફૂટથી વધુ ઊંચી મૂર્તિઓ પર જે પ્રતિબંધ છે. તેનો ખુલ્લેઆમ ભંગ કરાયો છે.
વલસાડ કલેકટરે જાહેર કરેલા જાહેરનામા મુજબ જિલ્લામાં દર વર્ષે મોટા અને નાના ગણેશજીની મૂર્તિઓની મોટા પ્રમાણમાં સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ શોભાયાત્રાઓ સાથે મૂર્તિઓનું વિસર્જન કરાય છે. પરંતુ હાલમાં કોરોના કોવિડ-19 ચેપી વાયરસની મહામારીને લઇ જાહેર સ્થળોએ જો મોટાપાયે શ્રીજીની મૂર્તિઓની સ્થાપના થાય તો દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ભીડ એકત્ર થવાની સંભાવના તથા હાલમાં જિલ્લામાં કોરોના સંક્રમણને વધુ ફેલાતો રોકવા માટે ભારત સરકારના આદેશોનું ચૂસ્ત પાલન કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર આર.આર.રાવલે ગણેશોત્સવ, બકરી ઇદ, તાજિયા, જન્માષ્ટમી જેવા ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં શ્રીજીની પીઓપીની કોઇપણ સાઇઝની મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપના કરી શકાશે નહી, શ્રીજીની માટીની મૂર્તિ બેઠક સહિત 2 ફુટ કરતાં વધારે નહી હોવી જોઇએ, વધારે ઉંચાઇની મૂર્તિ વેચવા, બનાવવા, સ્થાપના પર પ્રતિબંધ, મૂર્તિઓ જાહેર રસ્તાઓ ઉપર પરિવહન કરવી, નદી તળાવ, કુદરતી જળ સ્ત્રોતમાં વિસર્જન કરવા પર પાબંદી, મહોર્રમના તાજિયા બેઠક સહિત 2 ફુટ કરતાં વધારે ઉંચાઇના બનાવવા, વેચવા, સ્થાપના કરવા, પરિવહન કરવા પર પ્રતિબંધ છે.
ભગવાન શ્રીકૃષ્ણ, શ્રીગણપતિજીની મૂર્તિઓ સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમિયાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા સામે પ્રતિબંધ મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોના ઉપયોગ કરી શકાશે નહી.
કોમન પ્લોટ, રસ્તા, શેરી અને મહોલ્લા જેવા સ્થળોએ મૂર્તિ સ્થાપના કરવી નહીં. શ્રીગણેશ મહોત્સવ માટે જાહેરમાં મંડપો, પંડાલ બાંધવા નહીં તેમ જ સોસાયટીના કોમન પ્લોટ, રસ્તા, શેરી અને મહોલ્લા જેવા બહારના સ્થળોએ મૂર્તિ સ્થાપના કરવી નહીં.
વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ માટે સ્પેશિયલ પોલીસ ટીમ પણ કાર્યરત કરવા અને કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જાહેરનામાંનો છેદ ઉડી રહ્યો છે. ત્યારે આશા રાખીએ કે વલસાડ કલેકટર આ અંગે જરૂરી પગલાં લઈ બિલાડીની ટોપ માફક ફૂટી નીકળેલા POPની મૂર્તિ બનાવી નિયમોને નેવે મૂકી પર્યાવરણનો નાશ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમના ડેરા તંબુને બંધ કરાવે.