વલસાડ : કપરાડા તાલુકાના છેવાડે મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગુજરાતનું ગામ હુડા ખાતે આવેલા ફોરેસ્ટ ચેકપોષ્ટ ઉપર છેલ્લા 2 દિવસથી સતત આરોગ્ય વિભાગની 2 ટીમોના 10થી વધુ કર્મચારીઓ તૈનાત છે. જેમની પાસે વિશેષ ઇલેક્ટ્રોનિક સાધન વડે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. સવારે 9 કલાકથી લઈને સાંજે 6 કલાક સુધી આ કામગીરી ચાલી રહી છે.
નાસિક મહારાષ્ટ્ર તરફ જવા માટે મોટા ભાગે વાહન ચાલકો હાઇવે નંબર 848નો ઉપયોગ કરે છે. તો વધુ પ્રમાણમાં ઉપયોગ નાસિકથી ગુજરાતમાં પ્રવેશવા માટે આ માર્ગનો થાય છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહીંથી પસાર થનારા વાહન ચાલકો મુસાફરોને રોકીને તેમની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમને શરદી, ખાંસી જેવા લક્ષણો છે કે, નહીં જો હોય તો તેઓ ક્યાંથી આવે છે, ક્યાં જઈ રહ્યા છે, નામ નંબરો મેળવી રહ્યા છે અને જરૂર જણાય તો તેઓને 104 નંબર ઉપર ફોન કરી માર્ગદર્શન મેળવવા જણાવવામાં આવી રહ્યું છે.
હાલ કપરાડા તાલુકાના બે ચેક પોષ્ટ હુડા અને ઓઝર નજીક સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, નાસિકથી ગુજરાતમાં શાકભાજી લઇને આવતા ટ્રકો અને અન્ય વાહનોમાં મુસાફરો પણ નાસિકથી ગુજરાતના સુથારપાડા સુધી મુસાફરી કરે છે, ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસને ધ્યાને રાખતા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. આજે હુડા ચેકપોષ્ટ ઉપર કામગીરીની નિરીક્ષણ માટે કપરાડા પ્રાંત અધિકારી તેમજ કપરાડા મામલતદાર સહિત પુરવઠા નાયબ મામલતદાર સ્થળ મુલાકાત પણ લીધી હતી.