- 1930માં બેંકની સ્થાપના થઈ હતી
- 91 વર્ષ જૂની બેંક આજે પણ અદ્યતન સુવિધાથી વંચિત
- ચેરમેન, ડિરેક્ટરની સૂઝબૂઝના અભાવે માત્ર 11 જ બ્રાન્ચ
- 14 માર્ચે બેંકમાં 18 ડિરેક્ટરો માટે થશે મતદાન
વલસાડ: જિલ્લામાં 1 જાન્યુઆરી 1930ના રોજ પારડીના સરદાર ખાનબહાદુર વિકાજી પીરોજશા ભીલાડવાલાએ સરદાર ભીલાડવાલા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેંકની સ્થાપના કરી હતી. જેને વર્ષ 2021માં 91 વર્ષ થયાં છે. જો કે આટલા વર્ષોમાં બેંક ને સારા અને સૂઝબૂઝવાળા ચેરમેનો, મેનેજીંગ ડિરેક્ટરો નહી મળવાને કારણે જિલ્લામાં બેંકની માત્ર 11 જ શાખા છે. 37000થી વધુ સભાસદો ધરાવતી અને વાર્ષિક 1178 કરોડનો બિઝનેસ ધરાવતી બેંક આજના ડિજિટલ યુગમાં પણ અનેક રીતે પાંગળી રહી ગઈ છે. જો કે હાલમાં 14 માર્ચે બેંકમાં 18 ડિરેક્ટરો માટે મતદાન થવાનું છે. જે આ બેંકને આજના ડિજિટલ યુગમાં પ્રવેશ અપાવશે કે કેમ તેવી શંકા સભાસદોમાં જાગી છે.
ડિરેક્ટરોના હોદ્દા માટે કુલ 37 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા
14 માર્ચે વલસાડ જિલ્લાની ખ્યાતનામ અને સધ્ધર કહેવાતી સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેકના 18 ડિરેક્ટરો માટે મતદાન થવાનું છે. ડિરેક્ટરોના હોદ્દા માટે કુલ 37 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા છે. જેમાં એક ભાજપ સમર્થિત સહકાર પેનલ છે. જેના 18 ઉમેદવારો આ ચૂંટણી જંગમાં છે. જેની સામે બિનરાજકીય પેનલના પણ 18 ઉમેદવારો અને એક અપક્ષ ઉમેદવાર છે.
આ પણ વાંચો: સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કમાં 13 નિયામકોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, 30 જાન્યુઆરીએ મત ગણતરી
18 ડિરેક્ટરો માટે 14 માર્ચે થશે મતદાન
SBPPના ટૂંકા નામે જાણીતી સરદાર ભીલાડવાલા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેંકમાં ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણી અંગે વાત કરીએ તો, પારડી વિભાગ માટે 6 ડિરેક્ટરો, વાપી વિભાગ માટે 5 ડિરેક્ટરો, ઉદવાડા વિભાગ માટે 2 ડિરેક્ટરો, વાપી ઔદ્યોગિક વિભાગ માટે 2 ડિરેક્ટરો, ઉમરસાડી વિભાગ માટે 1 ડિરેક્ટર એ ઉપરાંત 2 મહિલા ડિરેકટર માટે અનામત છે. જેમાં અનિસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાનો સમાવેશ છે.
આ પણ વાંચો: જામનગર જિલ્લા સહકારી બેંક ચૂંટણી યોજાઈ, 482 મતદારોએ કર્યું મતદાન
3 વર્ષમાં 2 શાખા, 91 વર્ષમાં માત્ર 11 શાખા
SBPP બેંકની વલસાડ જિલ્લામાં 1 જાન્યુઆરી 1930માં પારડીમાં પ્રથમ શાખા ખોલવામાં આવી હતી. સરદાર ખાનબહાદુર વિકાજી પીરોજશા ભીલાડવાલા તેના સ્થાપક હતા. જે બાદ 21 ઓક્ટોબર 1933માં વાપી ટાઉન વિસ્તારમાં બીજી શાખા ખોલવામાં આવી હતી. જોકે તે બાદ બેંકની શાખામાં વધુ માત્ર 9 શાખા ખુલી અને આજે પણ કુલ 11 બ્રાન્ચ પર જ સીમિત રહી ગઈ છે.
વાર્ષિક 1178 કરોડનો બિઝનેસ
SBPP બેંકની અન્ય બ્રાન્ચની વાત કરીએ તો, વલસાડ જિલ્લાના ઉદવાડા, GIDC વાપી, પારનેરા અતુલ, કોપરલી રોડ વાપી, ચણોદ, ચલા, ભિલાડ, વલસાડ અને ધરમપુરમાં બ્રાન્ચ છે. વાર્ષિક 1178 કરોડનો વેપાર ધરાવતી બેકમાંથી 746 કરોડથી વધુની ડિપોઝીટ છે. 432 કરોડથી વધુના ધીરાણો છે. બેંક વર્ષોથી ચોખ્ખો નફો રળતી સધ્ધર બેંક છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ કે તે બાદ પણ અન્ય બેંકો જે રીતે પ્રગતિ કરી ચુકી છે. આજના ડિજિટલ યુગમાં હરણફાળ ભરી રહી છે, તેવી હરણફાળ અપાવનાર હોદ્દેદારો આ બેંકને મળ્યા નથી એટલે બેંકની શાખ વધી પણ શાખા વધી નથી.
37000થી વધુ સભાસદોને શંકા
બેંકમાં કુલ સભાસદોની વાત કરીએ તો પારડીમાં 8483, વાપીમાં સૌથી વધુ 9459, વાપી GIDCમાં 7259, ઉદવાડામાં 4596, ઉદવાડા ગામ વિભાગમાં 796, ઉમરસાડીમાં 2207, પારનેરામાં 2260, વલસાડમાં 2096, ધરમપુરમાં સૌથી ઓછા 146 અને ભીલાડમાં 600 સભાસદો મળી કુલ 37,903 સભાસદો છે. 14 માર્ચે કુલ 9 સ્થળો પર ડિરેક્ટરો માટે મતદાન થવાનું છે. ત્યારે 91 વર્ષ જૂની બેંકને નવા ચૂંટાયેલા ડિરેક્ટરો અદ્યતન બેંકની હરોળમાં લાવશે...?, 11 બ્રાન્ચથી અટકેલી સફર આગળ ધપાવશે...?, ડિજિટલ યુગમાં બેંકનું ડિજિટલાઈઝેશન કરી અન્ય બેંક સામે સ્પર્ધામાં ઉતારશે કે પછી પાછલા ડિરેક્ટરોની જેમ ટૂંકી બૌદ્ધિક ક્ષમતા દેખાડી બેંકને ખાડે લઈ જશે તેવી શંકા સભાસદોમાં જાગી છે.