વલસાડ જિલ્લામાં ઉદવાડા એ પારસીઓનું તીર્થ ધામ છે. અહીં આવેલા પારસી અગિયારી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. સંજાણ ખાતે આવેલ કીર્તિસ્તંભ પણ દેશ-વિદેશમાં વસતા પારસીઓ માટે પારસી વિરાસતનું અદભુત નજરાણું છે. આવી જ કેટલીક વિરાસત સંજાણ નજીક આવેલ સરોન્ડા ગામમાં છે. અહીં 200થી વધુ વર્ષ જુના પારસીઓના મકાનો અને 125 વર્ષ જૂની અગિયારી છે. જેમાં આજે પણ આતશ બહેરામ પ્રજ્વલિત છે.
સરોન્ડા ગામ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલું છે. ગામના પારસી જરથોસ્તી અંજુમનના મેનેજીંગ ટ્રસ્ટી એવા અસ્પી નરીમાન પસ્તાકિયાએ અહીંના ઇતિહાસ વિશે જણાવ્યું હતું કે, આ તેમની 7મી પેઢી છે. અને સરોન્ડામાં જ તેઓના 200થી વધુ વર્ષ જુના મકાનમાં રહે છે. આજે પણ તે મકાન એટલી જ સારી સ્થિતિમાં છે. વર્ષો પહેલાના આ ઘરમાં દરવાજા પર અને અન્ય ફર્નિચરમાં અદભુત કલાકારીગરીના પણ દર્શન થાય છે. સુવા માટે જુનવાણી ઢોલિયા, રસોઈના વર્ષો જૂના તાંબા પિત્તળના વાસણો, જુના કબાટ, શોકેશ, બારણા પરના તોરણ, ઘરઘંટી, જે તે વખતના દરવાજાને લોક મારવાની અદભુત કળા આ બધું આજે 200 વર્ષ પછી પણ નવું નક્કોર લાગે છે.
સરોન્ડા ગામમાં એક પારસી અગિયારી પણ આવેલી છે. જેમાં 125 વર્ષથી આતશ પ્રજ્વલિત છે. આ અગિયારી અંગે અસ્પી નરીમાન પસ્તાકિયાએ જણાવ્યું હતું કે, આ ગામમાં 1830થી 1850 દરમિયાન મોટી સંખ્યામાં પારસી પરિવારો વસતા હતાં. ત્યારે તેઓએ અગિયારીમાં પ્રાર્થના કરવા દૂર જવું પડતું હતું. આ દરમિયાન 1856માં સરોન્ડા પારસી જરથોસ્તી અંજુમન ટ્રસ્ટની રચના કરી રજીસ્ટર કરાવ્યું હતું. 1880માં પારસી દાતા ખાનબહાદુર ખરશેદજી પારેખે અગિયારીના નિર્માણ માટે 5500 રૂપિયા દાન અસ્પી પસ્તાકિયાના પરિવારજન ભીમજી શાપુરજી પસ્તાકિયાને આપ્યું હતું.
પરંતુ અગિયારી પૂર્ણ થાય તે પહેલાં જ દાનની રકમ ખૂટી ગઈ. એટલે, ભીમજી શાપુરજી પસ્તાકિયાએ પોતાના 4700 રૂપિયામાં 1885 થી 1890માં કામ પૂર્ણ કરાવ્યું હતું. જે બાદ આતશની સ્થાપના કરવાની હતી. સુરત નજીક ઉમરા ગામે પણ એક અગિયારી હતી. પરંતુ ધંધા અર્થે અહીંના પારસીઓ ઉમરા ગામ છોડી મુંબઇ અને અન્ય શહેરોમાં જતા રહ્યા હતા. જેથી અગિયારીમાં પૂજા અર્ચના થતી ન હતી. ત્યાના પારસીઓએ આતશની દેખરેખ થાય એ માટે એ આતશ સરોન્ડા ગામના પારસીઓ આપ્યા જેને વાજતે ગાજતે ઉમરાથી સરોન્ડા લાવવામાં આવ્યા અને 1906થી તેને અહીંની અગિયારીમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યારથી આજે પણ આ આતશની જ્વાળા પ્રજ્વલિત છે અને તેના દર્શને મુંબઇમાં વસતા પારસીઓ પણ મહિનામાં કે વર્ષે એક-બે વાર અચૂક દર્શન કરી પૂજા કરે છે.
ઉલ્લેખનીય છે કે, સરોન્ડા ગામમાં હાલ માત્ર એકાદ બે પરિવાર જ રહે છે. જે અગિયારીની દેખરેખ કરે છે. સરોન્ડા પારસી જરથોસ્તી અંજુમન દરેમહેર તરીકે જાણીતી આ અગિયારીમાં પારસીઓના ધાર્મિક પ્રસંગ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસતા અહીંના મૂળ પારસીઓના પરિવારો અચૂક આવે છે અને તેમના આ ધાર્મિક પ્રસંગોમાં ગામના લોકોને પણ ખાસ આમંત્રણ આપી કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવે છે.