વલસાડ: ગ્રામ સભાની શરૂઆતમાં સભાના અધ્યક્ષ સ્થાનેથી તલાટી કમ મંત્રી વિરલ પટેલે ગત સભાની કાર્યવાહી અને થયેલ ઠરાવને વાંચનમાં લીધી હતી તથા અરજદારો દ્વારા આપેલી અરજીઓના નિકાલને બહાલી આપી હતી. સભા દરમિયાન ખાસ સરીગામ વિસ્તારના આજુબાજુના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વિરોધ પક્ષના નેતા અને તાલુકા પંચાયતના સભ્ય એવા રાકેશ રાય અને ભીલીસ્તાન ટાઈગર સેનાના કાર્યકર્તાઓએ આદિવાસી સમાજના બંધારણના ધારાની માહિતી સંદર્ભે બોનપાડા સ્થિત બોર્ડ એક જગ્યા ઉપર લગાવતા અન્ય લોકો દ્વારા ફેસબુક ઉપર ઉપરોક્ત બાબતે ફોટા અપલોડ કરતા તેઓએ ગ્રામસભામાં ઉગ્ર વિરોધ કર્યો હતો. જેમાં રાકેશ રાય અને ભીલીસ્તાન ટાઇગર સેનાએ સરીગામના સમગ્ર વિસ્તારમાં કંપનીઓને ન સ્થાપવા દેવા સભા દરમિયાન સૌ સમક્ષ ઇન્ચાર્જ સરપંચ પંકજ રાય અને તલાટી કમ મંત્રીને લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચ્યો હતો.
ગ્રામસભાની પરવાનગી વગર હાલની એક પણ કંપનીને એન.ઓ.સી નહીં આપવા પણ સભા દરમિયાન ઉગ્ર રજૂઆત કરાઇ હતી. તેમજ ડૉ.નીરવ શાહે ગામમાં મચ્છરનો મોટો ઉપદ્રવ રહેતા તેની સામે સમયસર ડી.ડી.ટી પાઉડર અને ફોગીંગ મશીનથી ધુમાડો કરવા બાબતે તથા વિકાસના કાર્ય થઈ ગયા બાદ અને ગ્રામ પંચાયતમાં કામ કરતા લોકોના તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામદારોને સમયસર પેમેન્ટ ચૂકવણી બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી.