વાપીમાં રવિવારે ભાજપના વલસાડ જિલ્લા પ્રમુખ કનુભાઈ દેસાઈ, સાંસદ ડૉ. ખાલપાભાઈ પટેલની આગેવાનીમાં સુલપડના દુર્લભભાઈ પટેલના ઘરેથી દેશભક્તિના ગીતો સાથે સંકલ્પ પદયાત્રા નીકળી હતી. જે નાની સુલપડ અને મોટી સુલપડમાં ફરી કોલીવાડના અવિનાશભાઈ પટેલના ઘરેથી અજીતભાઈ મેહતાના ઘર પાસે પૂર્ણ થઈ હતી.
સંકલ્પ પદયાત્રા અંગે પારડી વિધાનસભાના ધારાસભ્ય અને વલસાડ જિલ્લા પ્રમુખ કનું દેસાઈએ જણાવ્યું હતું કે, દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સૌપ્રથમ વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે, 150મી ગાંધી જયંતી પ્રસંગે સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે ભારતના દરેક લોકોના વિકાસ માટે પ્રેરણા આપી હતી. જે અનુસંધાને 2 ઓક્ટોબર 2019 ના રોજ સંપૂર્ણ ભારતમાં ટોયલેટ બની ગયા છે. એવું જાહેર કર્યું હતું.
ગાંધીજીની 150મી જયંતિ અને તેમણે લીધેલા સકલ્પની યાદમાં સંકલ્પ યાત્રાનું આયોજન કરવાનું હાથ ધર્યું હતું. તેમાં વલસાડ જિલ્લાના સાંસદ ડૉ. કે. સી. પટેલ દ્વારા સમગ્ર સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા દિવસે પારડી વિસ્તારમાં સંકલ્પ યાત્રા યોજી હતી. બીજા દિવસે વાપીમાં સંકલ્પ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે આગામી પાંચ દિવસમાં પાંચ વિધાનસભામાં આ સંકલ્પ પદયાત્રાનું આયોજન કરાશે.
જ્યારે સાંસદ ડૉ. ખાલપાભાઈ પટેલે જણાવ્યું હતું કે, પરમપુજ્ય રાષ્ટ્રપિતા જેમણે આપણને આઝાદી અપાવી.
તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી ગાંધીજયંતીની ઉજવણી સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવાય રહી છે. જેના ભાગરૂપે આ સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા સાંસદોના નેતૃત્વમાં આ સંકલ્પ યાત્રા પૂરા દેશમાં યોજાઈ રહી છે. જે ચોક્કસ હેતુ સાથે યોજાઈ રહી છે. ભારત સ્વચ્છ બને, પ્લાસ્ટિક મુક્ત બને તેવા સંકલ્પ સંદેશ સાથે આ યાત્રા યોજી લોકો સુધી પહોંચી રહ્યા છીએ અને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, આ સંકલ્પ યાત્રા માટે શહેર ભાજપ દ્વારા હોદ્દેદારો, કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ 2 વાગ્યાની પદયાત્રામાં સાંસદ અને ધારાસભ્ય 1 કલાકને 20 મિનિટ મોડા પડતા ગણ્યાગાંઠ્યા કાર્યકરોની હાજરીમાં જ સંકલ્પ પદયાત્રા યોજાઈ હતી.