સુરત: શહેરના વરાછા વિસ્તારમાં સંબંધીના ઘરે રહેવા આવેલી સગીરાનું લગ્નની લાલચે અપહરણ અને દુષ્કર્મ કેસના આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. ભાવનગરના સિહોર તાલુકામાં રહેતા પરિવારની 16 વર્ષની પુત્રી જાન્યુઆરી 2021ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા સંબંધીના ઘરે થોડા સમય માટે રહેવા આવી હતી. ત્યારે સવારના સાતેક વાગ્યાના સમયગાળા દરમિયાન સગીરા ઘરકામ પૂરું કરી અગાસી પર કપડાં સૂકવવા ગઈ હતી.
બાદમાં રહસ્યમય સંજોગોમાં લાપતા બની હતી. બાદમાં પરિવાર દ્વારા બે દિવસ પુત્રીની શોધખોળ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, ભાવનગરના સિહોરમાં રહેતા બીપીન ચૌહાણ સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી ગયો છે.
બાદમાં આ બનાવ અંગે સગીરાના પરિવારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ બનાવમાં તપાસ એજન્સી દ્વારા જરૂરી અને યોગ્ય તપાસ કરી આરોપી વિરુધ્ધ પોકસો એક્ટ એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતાં આ કેસ કાર્યવાહી હેઠળ હતો.
જેમાં ફરિયાદી તરફે સરકારી વકીલ સંતોષ ગોહિલે દલીલો રજુ કરી હતી. જે કેસ ચાલી જતાં કોર્ટે બીપીન ચૌહાણને પુરાવા આધારે કસૂરવાર ઠેરવી 20 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: