વલસાડ : જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા શીલ ગામના બરડા ફળિયામાં અંદાજિત 350થી વધુ ઘર આવેલા છે. અહીં આગળ 700થી વધુ લોકો વસવાટ કરે છે, પરંતુ તેઓને આવાગમન માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારતની આઝાદીના વર્ષો બાદ પણ વિકાસનો ટકોરો આ ફળીયામાં ક્યાંય જોવા મળતો નથી. આ ફળીયુ ટેકરી ઉપર અને પર્વતીય વિસ્તાર હોવાથી અહીં આગળ જનારો માર્ગ ખૂબ જ કપરો છે. અહીં આવતા જતા લોકોને મહામુશ્કેલીએ તેમના ઘરથી આવાગમન કરે છે.
અહીંના સ્થાનિક લોકોની વિકટ પરિસ્થિતિ તો ત્યારે સર્જાય છે. જ્યારે ચોમાસાના દિવસો શરૂ થાય છે. એક તરફ ઊપરથી વરસાદી પાણી વરસતું હોય છે અને રોડ કાચો હોવાને કારણે અહીં કાદવ-કિચડ હોય છે. જેથી કરીને લોકો જીવના જોખમે આ માર્ગનો ઉપયોગ કરે છે. ચોમાસા દરમિયાન જો આ બરડાં ફળિયામાં કોઈકની તબિયત લથડી પડે અને નાદુરસ્ત બને તો આવા સમયે ચાર લોકો એકઠા થઇ અને એક ચાદરની ઝોળી બનાવી નાદુરસ્ત વ્યક્તિને તેમાં સુવડાવી ઉચકીને ટેકરી ઉપરથી નીચે સુધી એટલે કે સાડા ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને લઈ જવાય છે, ત્યારબાદ જ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા તેને મળી શકે છે અને આ સમસ્યા હાલની જ નથી. વર્ષોથી આ સમસ્યા ચાલી આવે છે જેને દૂર કરવા માટે રાજકારણીઓ ચૂંટણી સમયે મત લેવા માટે અહીં લોકો સમક્ષ આવીને રસ્તો બનાવી આપવાની બાંહેધરી આપે છે, પરંતુ ચૂંટણી ગયા બાદ અહીં કોઈ પણ ફરકતું નથી અને રસ્તો પણ બનાવવામાં આવતો નથી. આ તમામ સમસ્યાઓને ધ્યાને લઇ સ્થાનિકોએ અનેક સ્થળે રજૂઆત કરી છે.
તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે રાજ્યકક્ષાના પ્રધાન હોય કે પછી ધારાસભ્ય આ તમામને લેખિત રજૂઆતો માર્ગ બનાવવા માટે કરી છે, પરંતુ આ તમામ રજૂઆતો આ તમામ રાજકીય લોકોના બહેરા કાને અથડાઈને પરત ફરી છે અને લોકો હજુ પણ સમસ્યા ભોગવી રહ્યા છે, ત્યારે આ વખતે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
સ્થાનિક લોકોની માગ છે કે તેઓને બરડા ફળિયાનો માર્ગ બનાવી આપવામાં આવે. જેથી કરીને વર્ષો જૂની તેમની પાયાની સમસ્યાનો અંત આવે, પરંતુ આજદિન સુધી આ સમસ્યા ઠેરની ઠેર રહી છે