વલસાડ: શહેર અને વલસાડ જિલ્લામાં ચોમાસું શરૂ થતાં જ અનેક માર્ગો વરસાદી પાણીને કારણે દર વર્ષે ધોવાઈ જતા હોય છે. દર વર્ષે તંત્ર દ્વારા માત્ર મેટલ કામ કરીને સંતોષ માનવામાં આવે છે. જો રોડ બને તે જ સમયે કોન્ટ્રાકટર દ્વારા વરસાદી પાણીનો ઢાળ અને નિકાલ અંગેની સૂઝબૂઝ રાખવામાં આવી હોય તો માર્ગો બિસ્માર બને નહિ. વલસાડ શહેરના 15 માર્ગો 74 કિ.મીના આવેલા છે. આ તમામ પૈકી કૈલાસ રોડથી મોગરા વાડીને જોડતો માર્ગ, વલસાડ શહેરના દાણા બજાર સહિતના માર્ગો બિસ્માર બન્યા છે. જ્યાં મેટલ કામગીરી કરવામાં આવી હોવાનું પાલિકા ઈજનેર હિતેશભાઈએ જણાવ્યું હતું.
વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગમાં આવતા રોડ પૈકી હાલ ચોમાસા દરમિયાન 310 કિમીના રોડ બિસ્માર બન્યા છે. જેમાંથી 270 કિમી જેટલા રોડ ઉપર મેટલ કામગીરી કરી દેવામાં આવી છે. હાલ પણ કામગીરી ચાલી રહી હોવાની વાત જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના ઈજનેર એ.એસ.પટેલે જણાવી હતી. વલસાડ શહેરને અડીને RNB વિભાગના પણ ત્રણ રોડ પસાર થાય છે. જે બાબતે RNB વિભાગના ઈજનેર એચ એલ સુથારે જણાવ્યું કે, RNBના વલસાડમાં 74 રોડ છે. જે 724 કિમીના છે. જેમાંથી હાલમાં વરસાદી માહોલમાં 14.70 કિમીના માર્ગ જે ધોવાઈ ગયા હતા. એમાં મેટલ કામ કરવામાં આવ્યું છે.
જ્યારે હાલમાં જ નવા આવેલા પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ દ્વારા પણ વલસાડ શહેરીજનોને પડતી રોડની સમસ્યાને પ્રાથમિકતાના ધોરણે દૂર કરવા કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં દર વર્ષે ચોમાસામાં રોડ ધોવાઈ જાય છે. જેની પાછળનું મુખ્ય કારણ રોડ જ્યારે બને છે, ત્યારે કોન્ટ્રાકટર વરસાદી પાણીના વહેણનો ખ્યાલ રાખતા નથી અને ચોમાસુ શરૂ થતાં રોડના પોપડા ઉખડી જતા હોય છે.