- ઉત્તરાયણ પર્વને કોરોનાની અસર
- પતંગ બજારમાં ગ્રાહકો ગાયબ
- છેલ્લા 3 દિવસમાં ઘરાકી નીકળવાની આશા
વાપી :ઉત્તરાયણ પર્વ પર પતંગ-ફિરકીની બજારમાં તેજી જોવા મળતી હોય છે. જો કે આ વખતે કોરોના ગાઈડલાઈનને કારણે પતંગ વિક્રેતાઓને ત્યાં જોઈએ તેવી ઘરાકી જામી નથી. જ્યારે ઉત્તરાયણ આડે માત્ર 3 દિવસ જ બાકી છે. વેપારીઓને આ 3 દિવસમાં ઘરાકી નીકળવાની આશા છે.
કોરોનાએ પતંગની મજા બગાડી
દર વર્ષે ઉત્તરાયણ પહેલા જ પતંગ રસિયાઓ પતંગ-ફીરકી લઈ ધાબા પર કે ખુલ્લા ચોગાનમાં પતંગ ઉડાવતા જોવા મળતા હોય છે. જેમાં ઉત્તરાયણના દિવસે તો દરેક અગાસી પર કાઇપો છે ના નારા સાથે પતંગ રસિયાઓ આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવી પેચ લડાવતા હોય છે. મોટા ભાગના તહેવારોની મજા કોરોનાએ બગાડી હતી. તેવી જ રીતે ઉત્તરાયણ પર્વની પતંગ ચગાવવાની મજા પણ કોરોનાને કારણે બગડી ગઈ છે.
ગ્રાહકો પતંગ ખરીદવા આવતા નથી
કોરોના ગાઈડલાઈનને કારણે આ વર્ષે ઉત્તરાયણ પર્વ પર પતંગ વિક્રેતાઓને ત્યાં ઘરાકી નથી. બજારમાં કોરોનાના સંદેશ આપતા, કાશ્મીર ધારા, ડોરેમોન, વર્ષ 2021ના શુભેચ્છા સંદેશ સાથેના પતંગ બજારમાં આવ્યા છે. અવનવી પતંગો સાથે ફિરકીઓમાં પણ વેરાયટી આવી છે. પરંતુ ગ્રાહકો ગાયબ છે.
માંજામાં ભાવ ઓછા રાખ્યા પણ ખરીદી નથી
પતંગ વિક્રેતાઓને જણાવ્યા મુજબ આ વર્ષે પતંગ બજારના ભાવમાં 20 ટકાનો ઉછાળો છે. જ્યારે માંજામાં કોરનાને ધ્યાને રાખી ગત વર્ષની તુલનાએ ઓછા ભાવ રાખ્યા છે. તેમ છતાં હાલમાં ઘરાકી નથી. થોડાઘણા જે પતંગ રસિયાઓ પતંગ-ફીરકી ખરીદવા આવે છે. તેમાં શહેર કરતા ગામડાની ઘરાકી વધુ જોવા મળે છે. એક સમયે દુકાનોમાં જે ગ્રાહકોની કતારો લાગતી હતી. તેની સામે આ વખતે એકલ દોકલ ગ્રાહકો જ ખરીદી માટે આવી રહ્યા છે.
બજારમાં પતંગમાં અનેક નવી વેરાયટી
પતંગ બજારમાં ફિરકીઓમાં તેમજ પતંગમાં કેટલીક નવી વેરાયટી માર્કેટમાં આવી છે.પતંગ રસિયાઓ માટે ચશ્માં, કેપ, નાના બાળકો માટે પીપુડી સહિતની અન્ય વેરાયટીઓ પણ મળી રહી છે પરંતુ તેને ખરીદનારા ગ્રાહકો નથી. ઉતરાયણને હવે માત્ર 3 દિવસ બાકી છે. ત્યારે આ 3 દિવસમાં ઘરાકી નીકળશે. તેવી આશા પતંગ વિક્રેતાઓએ સેવી છે.