- વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા ધન્વંતરી રથની વિવિધ કામગીરીઓ
- 151071 ઘરોમાં જઇ ડોર ટુ ડોર સર્વે
- અત્યાર સુધીમાં 1995 જેટલા લોકો સર્વેમાં પોઝિટિવ નીકળ્યા
વલસાડ: વલસાડ અને ધરમપુરના વિવિધ વિસ્તારોમાં કામ કરતા ધન્વંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં 5,75,141 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9 જેટલા કોરોના દર્દીઓના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 1,240 જેટલા લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે વિવિધ તાલુકાઓમાં અને વિવિધ જાહેર જગ્યાઓ પર વહીવટી તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ, ઉકાળા વિતરણ અને ડોર ટુ ડોર સર્વે માટે 35 જેટલા ધન્વંતરી આરોગ્ય રથ કામગીરી બજાવી રહ્યા છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જિલ્લામાં રેપિડ ટેસ્ટની કામગીરી
વલસાડ જિલ્લામાં કોવિડના લક્ષણોવાળા દર્દીઓને શોધી કાઢવા માટે આ ધન્વંતરી રથમાં કાર્યરત આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તો સાથે સાથે ઉકાળા વિતરણ તેમજ આયુર્વેદિક ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે કેમ અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા 1,51,071 જેટલા ઘરોમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે. દરેક ઘરોમાં જઈ ઘરમાં રહેતા તમામ લોકોને સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ તેઓને શરદી-ખાંસી જેવા લક્ષણો છે કે નહીં તેની પણ તપાસ કરાઈ રહી છે.
1995 જેટલા સર્વેમાં પોઝિટિવ નીકળેલા લોકોને સારવાર અપાઇ
ધનવંતરી રથમાં આરોગ્યની એક ટીમ દ્વારા દરેક વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે તેમજ જાહેર જગ્યા ઉપર જઈને તમામ લોકોનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે જેને લઇને કોરોનાના સંક્રમિત અને લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢવામાં સફળતા મળી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 1995 જેટલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે અને તેઓને તાત્કાલીક સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.
ધરમપુર તાલુકામાં પણ ધન્વંતરી રથ દ્વારા કામગીરીઓ કરવામાં આવી રહી છે
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પણ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા કોરોનાને લગતી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના માટે શહેરી કક્ષાએ તેમજ ગ્રામીણ કક્ષાએ એક એક રથ કાર્યરત છે અને તેઓ દરરોજ લોકોના રેપિડ ટેસ્ટ કરી રહ્યા છે. બુધવારે ધરમપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે અનેક લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 1240 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે
વલસાડ જિલ્લામાં 1240 કેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, અત્યાર સુધી વલસાડ જિલ્લામાં 20,021 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 18,781 જેટલા નેગેટિવ આવ્યા છે જ્યારે કોરોનાને કારણે 9 જેટલા લોકોના મોત થયા છે.