- વલસાડ જિલ્લામાં પર્યટન સ્થળો પર ફરવા પર પ્રતિબંધ
- મોટા શહેરોમાં કોરોનાના સંક્રમણને કારણે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક
- જિલ્સામાં અનેક જોવા લાયક સ્થળો આવેલા છે
વલસાડઃ સમગ્ર ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં છેલ્લા બે દિવસથી સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને ગુજરાત સરકાર સતર્ક બની છે અને આ તમામ શહેરોમાં રાત્રી દરમ્યાન કરફ્યૂ મૂકવામાં આવ્યો છે. જેથી કરીને સંક્રમણથી ફેલાય ત્યારે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બની છે અને જિલ્લાના તમામ જોવાલાયક સ્થળો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લાનામાં પર્યટકો માટે પ્રતિબંધ
વલસાડ જિલ્લામાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે, જેમાં તિથલનો દરિયાકનારો, નારગોલ દરિયા કિનારો, ઉમરગામનો દરિયા કિનારો તેમજ ધરમપુર નજીક આવેલા અને ડુંગર ઉપર જંગલમાં આચ્છાદિત એવા વિલ્સન હિલ ઉપર પણ પર્યટકોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી સંક્રમણનો ખતરો ન વધે.
દરેક જાહેર સ્થળો પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો
વલસાડ જિલ્લામાં જોવાલાયક અનેક સ્થળો પર મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડતા હોય છે. ત્યારે શનિ-રવિની રજામાં તો જાણે આ તમામ સ્થળો પર મેળાવડો લાગે છે. જેથી સંક્રમણનો ખતરો વધી જતો હોય છે, આ સમગ્ર બાબતને ધ્યાને લઇને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ સ્થળો ઉપર જડબેસલાક પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
વિલ્સન હિલ જતા માર્ગમાં જ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો
ધરમપુરના વિલ્સન હિલ જતા માર્ગમાં જ અધવચ્ચે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, જેથી કરીને વિવિધ ઘાટ ઉપર થઈને વીલસનહીલ સુધી પહોંચતા પર્યટકોને ઘાટ પહેલા જ અટકાવી પરત મોકલી શકાય, જોકે આજે રવિવાર હોવા છતા પણ અહીં ખૂબ જ જૂજ પ્રમાણમાં પર્યટકો જોવા મળ્યા હતા અને જે એકલ દોકલ પર્યટકો અહીં આવ્યા હતા. તેમને પોલીસે સમજાવીને પરત કર્યા છે.
આમ વલસાડ જિલ્લામાં બહારથી આવતા પર્યટકોને કારણે જિલ્લામાં કોઈ સંક્રમણ ન વધે એવા ઉમદા હેતુથી જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર પહેલેથી જ સતર્ક બન્યું છે અને તમામ જાહેર સ્થળો ઉપર પર્યટકોને આવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.