- અગિયાર માસથી બંધ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી
- પ્રથમ દિવસે SOPની ગાઈડલાઈન મુજબ અપાયો પ્રવેશ
- વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કરવામાં આવી
- શિક્ષકોએ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપાઇ સમજણ
વલસાડ: કોરોનાની મહામારી અને લોકડાઉન બાદ 11 માસ પછી પ્રાથમિક સ્કૂલ 18 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ છે. એમાં પણ ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. ત્યારે 6થી 8 ના વિદ્યાર્થીઓ વહેલી સવારથી સ્કૂલોના ગેટ આગળ ઊભા રહી ગયા હતા. વિદ્યાર્થીઓમાં સ્કૂલે આવવા માટેનો ઉત્સાહ ખૂબ જ જોવા મળ્યો હતો તેમ છતાં પણ SOPની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
SOPની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાયો
જિલ્લા આરોગ્ય વિભાગે કોરોનાની મહામારીને લઈને શરૂ થઈ રહેલા પ્રાથમિક સ્કૂલના ધોરણ-6થી 8 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ થઈ છે. ત્યારે સ્કૂલમાં બેઠક વ્યવસ્થા તેમજ પ્રવેશદ્વાર આગળ સેનેટાઈઝર અને સ્કૂલમાં પ્રવેશ મેળવનારા દરેક વિદ્યાર્થીઓ પોતાના મોઢે માસ્ક બાંધીને આવે તે માટે વિશેષ વ્યવસ્થા કરી હતી અને તે મુજબ જિલ્લાની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરી અપાયો પ્રવેશ
કપરાડા તાલુકાના બાલચોંડી ગામની પ્રાથમિક શાળામાં શરૂ થયેલા નવા સત્ર ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે વહેલી સવારે ગેટ ઉપર તમામ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા તમામ વિદ્યાર્થીઓને પુષ્પ આપી આવકારવામાં આવ્યા હતા. જે બાદ ગેટ આગળ મૂકવામાં આવેલા સેનિટાઇઝરથી હાથ સેનેટાઈઝર કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વિશેષ વ્યવસ્થા
વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સની જાળવણી થાય એવા હેતુથી દરેક બેન્ચ ઉપર એક જ વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવ્યા છે. સાથે જ આગળ-પાછળ મૂકવામાં આવેલી બેન્ચ ઉપર વિદ્યાર્થીઓને ઝીક-ઝેક પોઝિશનમાં બેસાડવામાં આવ્યા છે,જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય.