વલસાડઃ જિલ્લામાં દરિયા કાંઠાના ગામોમાં વર્ષોથી થતાં ધોવાણ કારણે દરિયો ધીરે-ધીરે આગળ વધી રહ્યો છે. જે ખૂબ ચિંતાજનક છે ત્યારે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં આવેલા એક નાનકડા ટાપુ જેવા વિસ્તારમાં ધોવાણ વધી રહ્યું છે. આવા સમયે ધોવાણ થતું અટકાવવા ગામના જ યુવાનો દ્વારા એક પહેલ કરી આ ટાપુ જેટલી જમીન ઉપર શરુના 150થી વધુ વૃક્ષોનું વાવેતર કરી ગામના અન્ય યુવાનો માટે નવી રાહ ચીંધી છે.
પારડી તાલુકાના ઉમરસાડી ગામે છેલ્લા કેટલાક સમયથી દરિયાઈ ધોવાણનો પ્રશ્ન ઉદભવે છે. જેના કારણે કિનારા વિસ્તારના પાળા ધોવાઈ જવાના પ્રશ્નો પણ ઉદભવે છે, ત્યારે દરિયાઈ ધોવાણ અટકાવવા માટે અહીં અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
ઉમરસાડી માછીવાડ નવા ફળીયાના યુવાનો દ્વારા દરિયા કિનારે ધોવાણ ન થાય તે હેતુથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. કિનારા નજીકથી વહેતી નદી પાર કરી સામે કાંઠે આવેલા એક નાનકડા ટાપુ જેવડા વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી યુવાનો હોડીમાં સવાર થઈ વૃક્ષોના છોડને હોડીમાં મૂકી સામે પાર લઈ જઈ વૃક્ષોનું વાવેતર કરી રહ્યાં છે.