વલસાડ: દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન સોથી વધુ 150 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ ઉનાળો શરૂ થતાં જ અહીં પાણીની સમસ્યા ગંભીર બની છે. કપરાડા તાલુકાના ૪૦ જેટલા ગામમાં એપ્રિલ માસ શરૂ થતાની સાથે જ પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઇ છે. હેન્ડપંપમાં જળ ભૂગર્ભમાં ઉતરી જતાં લોકોને પીવાનું પાણી મેળવવા માટે અંદાજે ૪થી ૫ કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે તો કેટલાક ગામોમાં એકમાત્ર હેન્ડપંપમાં ધીમીધારે પાણી આવતા લોકોને એક બેડું ભરવા માટે કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડે છે.
આવી કપરી પરિસ્થિતિમાં લોકોને પીવાના પાણીના ટીપેટીપા માટે તરસવું પડી રહ્યું છે. આ સમસ્યાને દૂર કરવા માટે 35 ગામના સરપંચો અને આગેવાનોએ સરપંચ એસોસિએશન સાથે મળીને કપરાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માગ કરી છે.
નોંધનીય છે કે કપરાડા તાલુકાના પીવાના પાણીની સમસ્યા સુધારવા માટે સરકાર દ્વારા 586 કરોડની અસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ યોજનાની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. જેના કારણે હજુ પણ લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.