- સંજાણમાં RUBની કામગીરી વાહનચાલકો માટે મુસીબત
- 60 દિવસનું કામ 90 દિવસે પણ અધૂરું
- વાહનચાલકો માટે અકસ્માત ઝોન બન્યું 229 નંબરનું ગરનાળુ
સંજાણ : વલસાડ જિલ્લાના સંજાણમાં રેલવે વિભાગના DFCCIL દ્વારા સંજાણ-ઉદવા માર્ગ પર 229 નંબરના ગરનાળાને મોટું બનાવવા માટે કન્સ્ટ્રકશન કામગીરી હાથ ધરી છે. 2 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી. જ્યારે હાલ 90 દિવસે પણ ગરનાળુ બન્યું નથી. જેને કારણે આ વિસ્તારના દૈનિક 10 હજાર જેટલા વાહનચાલકોએ કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે. પારાવાર મુશ્કેલી ઉભી કરનારા આ ગરનાળાનું કાર્ય આ વિસ્તારના લોકો માટે મહામુસીબત બન્યું છે.
JNPTથી દિલ્હી સુધી બની રહ્યો છે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર
વલસાડ જિલ્લામાંથી પસાર થતા JNPT (જવાહરલાલ નહેરુ પોર્ટ) થી દાદરી (દિલ્હી) સુધીના રેલવેના ફ્રેઈટ કોરિડોરની કામગીરીને લઈને આ વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એમાં પણ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણના રહીશો માટે છેલ્લા 90 દિવસ ભારે મુશ્કેલીભર્યા વીત્યા છે. સંજાણમાં રેલવે સ્ટેશન નજીક રેલવનું 229 નંબરનું ગરનાળુ આવેલું છે. DFCCIL પ્રોજેકટ હેઠળ આ ગરનાળાને પહોળું કરવાની અને નવું બનાવવાની કામગીરી હાથ ધરી છે.
15 મે સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની હતી
આ ગરનાળાને જોડતો રસ્તો સંજાણથી મહારાષ્ટ્ર તરફ તલાસરી, ઉમરગામના ગ્રામ્ય વિસ્તારના વાહનચાલકો માટે અતિ મહત્વનો માર્ગ છે. આ રેલવે ગરનાળાની કન્સ્ટ્રકશન કામગીરી માટે DFCCIL એ ગત 15મી માર્ચથી લઈને 15મી મેં 2021 સુધીની 60 દિવસની સમય મર્યાદામાં કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હતું. પરંતુ તે અવધી બાદ વધુ એક મહિનો પસાર થતા 90 દિવસે પણ કામગીરી પૂર્ણ થઈ નથી. જેને કારણે આ વિસ્તારના વાહનચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જીવાદોરી સમાન માર્ગ જાનમાલની નુક્સાનીનો માર્ગ બનશે
વાહનચાલકોએ કાદવ કિચ્ચડમાંથી વાહનો પસાર કરવા પડી રહ્યા છે. નાનામોટા અકસ્માત થતા હોય અકસ્માતનો સતત ભય વર્તાઈ રહ્યો છે. વાહનચાલકોનું માનવું છે કે સરકારની સારી કામગીરીને આવકારીએ છીએ પરંતુ જો આ રીતે જ આ અન્ડરબ્રિજની ઢીલીગતિની કામગીરી રહેશે તો ચોમાસામાં વાહનચાલકો માટે જીવાદોરી સમાન આ માર્ગ જાનમાલની નુક્સાનીનો માર્ગ બનશે.
મુદ્દત વીતી ગઈ હવે વહેલું કામ પૂર્ણ કરે
વલસાડ શહેર નજીકના રેલવે ઓવરબ્રિજને 20 દિવસમાં પૂર્ણ કરી લેવાની વાહવાહી લૂંટતા DFCCILને સંજાણ ના રેલવે અન્ડરબ્રિજની સમયમર્યાદા બહારની કામગીરી દેખાતી નથી. અનોખી કન્સ્ટ્રકશન ટેક્નિકથી 20 દિવસમાં ઓવરબ્રિજ પૂરો કરવાની અખબારોમાં વાહવાહી મેળવી રહેલા રેલવે વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સંજાણ ગરનાળા પ્રત્યેની બેદરકારી તરફ પણ ધ્યાન આપે અને જેમ દૈનિક 24 કલાકમાં પસાર થતા 20 હજાર વાહનચાલકો માટે 20 દિવસમાં રેલવે ઓવરબ્રિજ પૂરો કરવાની નેમ સેવી છે. તે જ રીતે 24 કલાકમાં અંદાજીત 10,000 વાહનચાલકોની અવરજવર વાળા આ સંજાણ-ઉદવા માર્ગ પરના 229 નંબરના ગરનાળાને પણ મુદ્દત વીત્યા બાદ વહેલું પૂરું કરે તેવી માગ આ વિસ્તારના લોકોની છે.