- ગણપતિ દાદા પર ગટરના પાણીનો અભિષેક
- નગરપાલિકાએ ગણેશ ભક્તોની લાગણી દુભાવી
- રેલવે ગરનાળામાં ઉભરાય છે ગટરનું ગંદુ પાણી
વાપીઃ વાપી નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે વાપીના ઇસ્ટ-વેસ્ટને જોડતું ગરનાળુ બનાવ્યું છે. ગરનાળાની બંને તરફ સુશોભન માટે વિધ્નહર્તા અને ભગવાન બુદ્ધની પ્રતિમા મૂકી આકર્ષક પેઇન્ટિંગ્સ કરાવ્યા છે. જો કે અહીં ગટરની લાઇન પણ પસાર થતી હોય, ગરનાળુ ગટરના પાણીથી ઉભરાઈ રહ્યું છે. ગટરનું ગંદુ પાણી વિઘ્નહર્તાની પ્રતિમા પર પડતું હોય ગણેશ ભક્તોની લાગણી દુભાઈ રહી છે.
ગરનાળાની ડિઝાઇન ભૂલભરેલી છે
વાપીમાં મુખ્ય ટાઉન અને GIDC માં આવાગમન માટે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે લાઇન નીચે અન્ડરપાસ બનાવવામાં આવ્યો છે. અન્ડરપાસની બન્ને તરફ નગરપાલિકાએ વિધ્નહર્તાની અને બુદ્ધ ભગવાનની પ્રતિમા મૂકી મનમોહક પેઇન્ટિંગ્સ ચીતર્યા છે. પરંતુ ખાટલે મોટી ખોડ કે આ રેલવે ગરનાળુ બનાવ્યું ત્યારે તેની નજીકથી પસાર થતી ગટર લાઈનને ધ્યાને લેવાનું ભુલાઈ ગયું. જેથી હવે ગટરનું ઉભરાતું ગંદુ પાણી બારેમાસ ગરનાળામાં વહી રહ્યું છે. જેનાથી વાહનચાલકો તો પરેશાન છે જ પણ સાથે સાથે આ પાણી વિધ્નહર્તા પર પડતું હોય ગણેશભક્તોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે.
પાલિકા વહેલી તકે નિરાકરણ લાવે
આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ગરનાળાની સમસ્યાથી તેઓ પણ વાકેફ છે. પરંતુ ગરનાળાની ડિઝાઇન ભૂલભરેલી બનાવી દીધી હોય હાલ સમસ્યાનો ઉકેલ મળતો નથી. ગટરનું ગંદુ પાણી ગરનાળામાં વહેતુ હોય સમયાંતરે તેનો નિકાલ કરાવીએ છીએ. ગણેશ ભક્તોની લાગણીને જે ઠેસ પહોંચી છે તે અંગેનું નિરાકરણ લાવવા પ્રયાસો કરીશું.
શ્રીજી પર પડે છે ગટરનું ગંદુ પાણી
ઉલ્લેખનીય છે કે, વાપી નગરપાલિકાએ સ્વચ્છતા અભિયાનમાં અવ્વલ નંબર મેળવવા હાલ તમામ મુખ્ય માર્ગો પર હોર્ડિંગ્સ લગાવી દીવાલો પર મનમોહક પેઇન્ટિંગ્સની કામગીરી હાથ ધરી છે, ત્યારે આશા રાખીએ કે સ્વચ્છતા અભિયાનમાં દાગ સમાન રેલવે ગરનાળાની ગંદકી પણ દૂર કરે અને ગટરના ગંદા પાણીથી દૂષિત થતા વિધ્નહર્તાને સ્વચ્છ રાખવાના શ્રીગણેશ કરે...