વલસાડઃ ન્યૂઝીલેન્ડથી સાત માસની દીકરી સાથે આવેલી યુવતી કોરોના લોકડાઉનમાં પારડીમાં તેમના માતા પિતાને ત્યાં ફસાઇ ગઇ હતી. માર્ચ માસમાં રિટર્ન ટિકિટ હોવા છતાં પણ લોકડાઉનને લઈ યુવતી પરત જઈ શકી ન હતી. આખરે ન્યૂઝીલેન્ડ સરકારે ફ્લાઈટની વ્યવસ્થા કરી છે, પરંતુ તેનો પાસપોર્ટ વડોદરામાં હોવાથી, પારડી મામલતદાર અને પ્રાંત અધિકારીની મદદથી યુવતી અને એમના પિતા પાસપોર્ટ લેવા માટે વડોદરા જવા નીકળ્યા છે. 27 એપ્રિલે યુવતી તેમની બાળકી સાથે ન્યૂઝીલેન્ડ જવા નીકળશે.
વડોદરામાં પરણેલી અને હાલ ન્યૂઝીલેન્ડની સ્થાઈ થયેલી પારડી સન રાઈઝ કોલોનીમાં માજી આચાર્યની દીકરી સામંથા ટલિયર ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડથી તેમની સાત માસની દીકરી સ્કારલેટ રોઝ સાથે ઈન્ડિયા આવી હતી. માર્ચ મહિનામાં તેની રિટર્ન ટિકિટ હતી. આ દરમિયાન સામંથા પારડી રેનબસેરા નજીક તેના પિયર રહેવા આવી હતી. કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ સરકારે લોકડાઉન જાહેર કરી તમામ ફ્લાઇટો રદ કરી દેતા સામંથા માર્ચ મહિનામાં ન્યૂઝીલેન્ડ જઈ શકી ન હતી અને પિયર પારડીમાં ફસાઈ ગઈ હતી . કોરોનાને લઈ અટકી પડેલા ન્યૂઝીલેન્ડના સ્થાયી રહેવાસી માટે ત્યાંની સરકારે મર્સી લાઇટની વ્યવસ્થા કરી છે. 27 એપ્રિલે સામંથા પરત ન્યૂઝીલેન્ડ તેની દીકરી સાથે જઈ શકે એમ છે.
પરંતુ તેના વડોદરા તેના સાસરે પાસપોર્ટ હોવાથી વડોદરા પાસપોર્ટ લેવા જવુ લોકડાઉનમાં મુશ્કેલ હોવાથી પરિવાર ફરી મુશકેલીમાં મુકાયો હતો. આ બાબતે પારડી પાલિકા ઉપપ્રમુખ બિપિનભાઈનો સંપર્ક કરતા બિપિનભાઈએ આ મામલાની હકીકત પારડી મામલતદાર એન. સી. પટેલ અને પ્રાંત અધિકારી સી.પી. પટેલને કરતા ઓનલાઇન ઇપાસ માટે અરજી કરવાનું સૂચન કરાયું હતું. મામલતદાર અને પ્રાંત અધિકારીની મદદથી 24 ક્લાકમાં વડોદરા સુધીનો ટ્રાવેલ્સ પાસ બનાવી આપતા છેવટે સામંથાનું ન્યૂઝીલેન્ડ પરત ફરવાનું શકય બન્યું છે.
મહત્વનું છે કે, ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા ભારતમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે જો તેમની પાસેથી ટિકિટના પૈસા ના હોય તો લોન પણ ઓફર કરી હતી જે પાછળથી ન્યૂઝીલેન્ડ જનારા લોકોએ ત્યાં પહોંચીને બાદમાં તે ચૂકવી દેવાની થતી હોવાનું પણ સરકારે લોકોને જણાવ્યું હતું. લોકડાઉનમાં પિયરમાં ફસાયેલી માતા પુત્રીને વલસાડ વહીવટી તંત્રએ મદદ કરતા 27 એપ્રિલે સામંથા તેમની દીકરી સાથે ન્યૂઝીલેન્ડ જવા માટે રવાના થશે.