- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- દેશમા કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની અછત
- વાપી તાલુકામાં દરરોજ 1500થી વધુ ઓક્સિજન સિલિન્ડરની છે ડીમાન્ડ
- કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો
વાપી: કોરોના દર્દીના પ્રાણ બચાવવા પ્રાણવાયુની તંગી સર્જાઈ છે. સામાન્ય સંજોગોમાં દેશમાં અલગ અલગ લિટરની અથવા કિલોની કેપેસિટી મુજબ ઓક્સિજન સિલિન્ડર તૈયાર કરી તેનું વેંચાણ કરવામાં આવે છે. મેડિકલ ઉપરાંત સ્ટીલ જેવા અન્ય કેટલાક ઉદ્યોગોમાં અનેક કંપનીઓ ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરે છે. વલસાડ જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાયાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
તંત્રએ 50 ટકા સુધીનો જથ્થો પૂરો પાડવાની ખાતરી આપી
હાલની કોરોના મહામારીમાં વલસાડ જિલ્લાની ખાનગી હોસ્પિટલોના તબીબોએ કલેક્ટર કચેરીએ ઓક્સિજન સપ્લાય પૂરતો મળે તેવી રજૂઆત કરી હતી. હોસ્પિટલ સંચાલકોએ એક તબક્કે એવું પણ જણાવી દીધું હતું કે જો તેમને ઓક્સિજન સિલિન્ડરનો પર્યાપ્ત જથ્થો નહિ મળે તો તેઓ દર્દીઓની સારવાર કરી શકશે નહીં અને મોટી સંખ્યામાં દર્દીઓ ઓક્સિજન વગર હોસ્પિટલમાં જ દમ તોડશે. જે બાદ તંત્રએ આ અંગે 50 ટકા સુધીનો જથ્થો પૂરો પાડવાની ખાતરી આપી છે. તંત્રએ આ માટે આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા દર્દીઓ મુજબ ઓક્સિજન સપ્લાય કરવાની સૂચના આપી હતી.
આ પણ વાંચોઃ જામનગરમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડાયો
પરવાનગીથી વધુ દર્દીઓને દાખલ કરતા હોવાથી ઓક્સિજનની ડિમાન્ડ વધી
જો કે ઓક્સિજનની તંગી માટે તંત્રની દ્રષ્ટિએ વાત કરીએ જિલ્લામાં સર્જાયેલ પ્રાણવાયુની તંગી માટે કેટલાક અંશે ખુદ ખાનગી હોસ્પિટલના સંચાલકો જ જવાબદાર છે. ખાનગી હોસ્પિટલોને આપવામાં આવેલી પરવાનગીથી વધુ દર્દીઓને દાખલ કરતા હોવાથી ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી હોવાનું વહીવટી તંત્રને ધ્યાને આવ્યું હતું. પરિસ્થિતિ વધુ વિકટ ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓની નોંધ લીધા બાદ તેમની જરૂરિયાત મુજબનો ઓક્સિજનનો જથ્થો આપવાની ખાતરી આપી છે. જે નિર્ણય પણ ખાનગી હોસ્પિટલ સંચાલકો માટે રજૂઆત બાદ વધુ અકળાવનારો સાબિત થયો છે પરંતુ હવે તેમાં તેઓ કંઈ કરી શકે તેમ નથી.
દર્દીને કેટલો ઓક્સિજન આપવો તે કહેવું પણ મુશ્કેલ
ઓક્સિજનની વિકટ સમસ્યા અંગે અને તેના સપ્લાય અંગે જો વિગતો તપાસીએ તો આ સમસ્યા માટે સરકાર પણ એટલી જ જવાબદાર છે. કેમ કે દેશમાં ક્યાંય ઓક્સિજન અંગે કોઈ ચોક્કસ ગાઇડલાઈન નથી તેવી રીતે ક્યાં દર્દીને કેટલો ઓક્સિજન આપવો તે કહેવું પણ મુશ્કેલ છે.
ઓક્સિજન સિલિન્ડર 2 કિલોથી 60 કિલો કે 2 લિટરથી 60 લીટર માપમાં મળે છે
આ અંગે જ્યારે વાપીના અલગ અલગ કોવિડની સારવાર આપતા ખાનગી હોસ્પિટલના તબીબો, સરકારી ડોક્ટરો સાથે વાત કરતા સામે આવેલી વિગતો મુજબ હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર 2 કિલોથી લઈને 60 કિલો કે 2 લિટરથી લઈને 60 લીટર એમ અલગ અલગ માપમાં મળે છે. કોઈ સિલિન્ડર 2, 4, 11, 19, 60 કિલોના છે તો કોઈ એટલા જ લિટરમાં એટલે તેનો ચોક્કસ જથ્થો મળવો મુશ્કેલ છે.
આ પણ વાંચોઃ રિયાલિટી ચેકઃ આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ
વેન્ટિલેટર પર રહેલા એક દર્દી પાછળ 24 કલાકમાં 6થી 8 બોટલ ઓક્સિજન જાય છે
જે રીતે કોઈ વ્યક્તિ 2 રોટલી ખાય અને કોઈ વ્યક્તિ 4 રોટલી ખાય તેમ વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ માટે પણ ખપત અલગ અલગ હોય છે. જે અંગે તબીબોએ જણાવ્યું હતું કે, સામાન્ય સંજોગોમાં વેન્ટિલેટર રહેલા એક દર્દી પાછળ 24 કલાકમાં 6થી 8 બોટલ ઓક્સિજન જાય છે. જો 5થી 8 દર્દીઓ વેન્ટિલેટર પર હોય તો અંદાજિત 40થી 45 બોટલ ઓક્સિજનની જરૂર પડે છે. સામાન્ય સંજોગોમાં હોસ્પિટલમાં મોટી બોટલ વપરાય છે. જે 19 લિટરની કેપેસિટી ધરાવતી હોય છે. દર્દીને પણ 24 કલાકમાં અલગ અલગ માપે એટલે કે 4 કિલોથી લઈને 14 કિલો સુધી આપવામાં આવે છે.
ઓક્સિજનની ડિમાન્ડ કઇ રીતે પુરી કરવી તે તંત્રને સૂઝતું નથી
હાલ કોરોના મહામારીમાં સપડાયેલા તમામ દર્દીઓ ઓક્સિજન પર છે. જેની સ્થિતિ સારી થાય તો જ તેને ડિસ્ચાર્જ કરવામાં આવે ત્યારે જ તે સામાન્ય વાતાવરણના ઓક્સિજન પર જીવી શકે. હાલમાં એટલે જ ઓક્સિજનની ડિમાન્ડ કઇ રીતે પુરી કરવી તે તંત્રને સૂઝતું નથી.
ઓક્સિજનની તંગી દર્દીઓના પ્રાણ હરનારી બને તે પહેલાં કોરોના સામે જંગ જીતીએ તેવી આશા
એકલા વાપીમાં જ હાલના સંજોગોમાં 500થી વધુ સિલિન્ડરની માગ છે. આગામી દિવસોમાં તે 1000, 1500 અને 2000 સુધી પહોંચશે ત્યારે હાલત વધુ ખરાબ થશે. આ અંગે પણ ખાનગી તબીબોનું કહેવું છે કે, વહીવટી તંત્રએ પ્રેક્ટિકલ બનવું જરૂરી છે. જિલ્લાને અન્ય જિલ્લાઓની જેમ ક્રિટિકલ ઝોનમાં મૂકી રાજ્ય સરકાર પાસે ઓક્સિજનની વધુ માગ કરવી જોઈએ. વહીવટી તંત્ર જિલ્લાને ક્રિટિકલ ઝોનમાં મુકવા તૈયાર નથી. બીજી બાજુ ઓક્સિજનનો જરૂરી સપ્લાય આપવા પણ તૈયાર નથી. વહીવટી તંત્રની નીતિ અને ખાનગી કોવિડ સેન્ટર ચલાવતા હોસ્પિટલ સંચાલકોની બુમરાણ વચ્ચે વલસાડ જિલ્લામાં પ્રાણવાયુની તંગી દર્દીઓના પ્રાણ હરનારી બને તે પહેલાં કોરોના સામે જંગ જીતીએ તેવી આશા લોકો સેવી રહ્યા છે.