શનિવારે ઉમરગામ તાલુકાના મમકવાડા ગામના વિસ્તારમાં આરોગ્યને અને પર્યાવરણને નુકસાન કારક કેમિકલનો મોટો જથ્થો જોવા મળતા ગામલોકોમાં રોષ ભભૂક્યો હતો. ગામના લોકોએ એકઠા થઇ આ અંગે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને જાણ કરતા GPCBના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી કેમિકલ વેસ્ટના સેમ્પલ લીધા હતાં. જેમાં આ કેમિકલ વેસ્ટ સરીગામ GIDCની કોઈ કેમિકલ ફેક્ટરીઓનો હોવાનું અને તે અત્યંત હેઝાર્ડ હોવાનું જાણવા મળ્યું હતું.
કેમિકલ વેસ્ટ ઠલવાતા ગામના લોકો અને ભારતીય કિસાન સંઘના પ્રમુખ શશીકાંત પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માંડાથી મમકવાડા અને નારગોલ ગામનો વિસ્તાર ખેતી આધારિત વિસ્તાર છે અને પર્યાવરણની દ્રષ્ટિએ અત્યંત સુરક્ષિત વિસ્તાર છે. જેને કેમિકલ માફિયાઓ બરબાદ કરવા માગે છે. આ પ્રકારના કેમિકલ વેસ્ટથી આ વિસ્તારની ખેતીની જમીનને, ખેતી પાકને, ભૂગર્ભ જળને અને માનવ આરોગ્યને ગંભીર નુકસાન થશે. માટે અમારી માગ છે કે, જે કેમિકલ કંપનીના સંચાલકો આવા કેમિકલ માફિયાઓને હપ્તા આપી પર્યાવરણને નુકસાનકારક કચરો ગામમાં ઠાલવી રહ્યા છે. તેની તપાસ કરી તેમની સામે કાયદાકીય પગલાં ભરે.
ઉલ્લેખનીય છે કે, ઉમરગામ તાલુકાના સરીગામ GIDCમાં અત્યંત હેઝાર્ડ કેમિકલની કંપનીઓ આવેલી છે. તેમાંથી કેટલાક કેમિકલ માફિયાઓ વેસ્ટ કચરાનો નિકાલ કરે છે. આ માફિયાઓ કંપનીઓ પાસેથી તગડા રૂપિયા લઇ આવા હાનિકારક કેમિકલ વેસ્ટને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઠાલવી જતા રહે છે. મમકવાડામાં પણ આ કેમિકલ કચરો ગત રાત્રે ઠાલવ્યો હોવાનું જાણતા મળતા ગામલોકોએ ઉગ્ર રોષ સાથે આવા કેમિકલ માફિયાઓ અને કંપની સંચાલકો વિરુદ્ધ પોતાનો રોષ પ્રગટ કર્યો છે.