ઉમરગામ તાલુકાના સરીગામ સ્થિત બોનપાડા વિસ્તારમાં મમતાબેન ભટ્ટની વાડીમાં સોમવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં રાષ્ટ્રીય પક્ષી બે મોર ઘાયલ હાલતમાં વાડીમાં મળી આવ્યા હતા. જેના અંગે વાડી માલિક મમતાબેનને મોરની હાલત ગંભીર જણાતા એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર અને શ્રી હિંસા નિવારણ સંઘના સરીગામ ભીલાડના પ્રમુખ અંકિત શાહને ટેલિફોનિક જાણ કરતા તુરંત ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં અંકિત શાહે ઘાયલ મોરની તપાસ કરતા જણાવ્યું કે, એક મોરના ખાવામાં કંઇક આવી જતા ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. જ્યારે બીજા મોરને અન્ય વાહન થકી ડોકના ભાગે ગંભીર ઇજા થતા ડોક વાંકી થઈ ગઈ હતી.
બન્ને મોરની હાલત ખૂબ જ ગંભીર હોવાથી ઘટનાની ગંભીરતા જાણી ભીલાડ ફોરેસ્ટ વિભાગના RFO અધિકારી નાનુભાઈ પટેલને ઉપરોક્ત ઘટના અંગે ટેલિફોનિક જાણ કરાતા અંકિત શાહને તોછડી ભાષામાં જવાબ આપીને ઘટનાસ્થળ પર હું આવીને શું કરું એવી વાત જણાવીને ઘટનાસ્થળ પર આવવાનું ટાળ્યું હતું.
અંકિત શાહે વલસાડ DFOને ઘટના અંગે ફોન કરતાં ઉમરગામ સ્થિત ફોરેસ્ટ વિભાગના અધિકારી RFO પી. યુ.પરમારનો મોબાઇલ નંબર આપી સંપર્ક કરવા જણાવ્યું હતું. જેને ફોરેસ્ટર પી.યુ. પરમારનો સંપર્ક કરતા ઘટનાની ગંભીરતા જાણી તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પરમારે બન્ને મોરની હાલત ગંભીર જણાતા તરત જ મોરને ઊંચકી વાપી ફોરેસ્ટ વિભાગની ઓફિસ પરના પશુ-પક્ષીઓના દવાખાનામાં સારવાર અર્થે લઈ જવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નાની મોટી પશુ-પક્ષીઓની ઘાયલ થવાની ઘટના બનતા ભીલાડ ફોરેસ્ટ વિભાગના RFO નાનુભાઈ પટેલ તોછડી ભાષામાં જવાબ આપી એક પણ ઘટનામા હાજર રહેતા નથી. આ વખતે પણ રાષ્ટ્રીય પક્ષી ઘાયલ થયા હોવા છતાં પણ આ અધિકારી તોછડી ભાષામાં જવાબ આપી ઘટનાની ગંભીરતાને સમજ્યા નહીં જે એક વનવિભાગના અધિકારી માટે શરમજનક બાબત છે.