વલસાડઃ કપરાડા તાલુકાના ભાઠરી ગામે માજી સરપંચના ઘરે રાત્રે 11 બાઇક લઈને આવેલા 20થી વધુ યુવાનોએ માજી સરપંચ અને તેમના પુત્રને માર મારવાની ધમકી આપી ઘરમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.

કપરાડા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલા ભાથીજી ગ્રામ પંચાયતમાં માજી સરપંચ તરીકે ફરજ બજાવી ચૂકેલા બાપુભાઈ ખબર પડ્યાના પુત્ર મુકેશને અગાઉ પણ કેટલાક ઈસમોએ રસ્તામાં માર માર્યો હતો. જે વાતને હજુ 10 દિવસ થયા નથી, ત્યાં ફરીથી મોડી રાત્રે 11 જેટલા બાઇક પર બેસીને આવેલા 20થી વધુ યુવાનોએ હાથમાં લાકડી લઇ આતંક મચાવ્યો હતો અને તેમણે સતત અડધા કલાક સુધી ઘરના આંગણે ભેગા મળી ઘરમાં નુકસાન પહોંચાડ્યું હતું.
આ અગાઉ પણ થોડા દિવસ પૂર્વે મુકેશ ખરપડીયાને માર્ગમાં રોકી માર મારીને રૂપિયા 19,000 જેટલી રકમ પણ આંચકી લીધી હોવાની ઘટના બની હતી. જેમાં પણ ઉપરોક્ત ઈસમો સામેલ હોવાનું મુકેશે જણાવ્યું હતું અને તે સમયે પણ પોલીસમાં અરજી કરી હતી.