- ઝાંઈ ગામના દરિયા કિનારે પાર્થિવ શિવલિંગની પૂજા
- ગામના લોકો શિવરાત્રીએ પિતૃશ્રાદ્ધ કરે છે
- દરિયાની માટી-રેતીના શિવલિંગ બનાવે છે
ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ નજીકના મહારાષ્ટ્રના ઘોલવડ તાલુકામાં આવેલા ઝાંઇ ગામ ખાતે મહાશિવરાત્રીનું પર્વ અનોખી રીતે ઉજવવામાં આવે છે. અહીંના સ્થાનિક માછીમાર સમાજના લોકો સમુદ્ર તટ પર દરિયાઈ રેતી અને માટીના પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે. આ દિવસે અનેક માછીમારો પોતાના પિતૃઓના શ્રાદ્ધ કરી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ કરાવે છે.
ઝાંઈ ગામના દરિયા કિનારે પાર્થિવ શિવલિંગની પૂજા
સૃષ્ટિના સર્જનહાર એવા દેવોના દેવ મહાદેવનો ગુરુવારે પ્રાગટ્ય દિન હતો. સમગ્ર ભારતમાં આ દિવસને મહાશિવરાત્રી પર્વ તરીકે ઉત્સાહભેર ઉજ્વણી કરવામાં આવે છે. ભોળાનાથના ભકતો આ દિવસે શિવમંદિરમાં જઈ શિવલિંગ ઉપર પંચામૃતથી જળાભિષેક કરે છે. બીલીપત્ર કેતકી, ગલગોટો સહિતના ફૂલોથી શિવની પૂજા કરે છે. મહાશિવરાત્રીના પાવન પર્વે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભજન-ભોજન અને ભક્તિ સંધ્યાના ખાસ આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રીના પર્વમાં રાત્રીપૂજાનું છે ખાસ મહત્વ
ઝાંઇ ગામે મહાશિવરાત્રીની કંઇક અનોખી રીતે ઉજવણી
ત્યારે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરની નજીક ઉમરગામને અડીને આવેલા મહારાષ્ટ્રના ઘોલવડ તાલુકાના ઝાંઇ ગામે મહાશિવરાત્રીની કંઇક અનોખી રીતે જ ઉજવણી કરવામાં આવે છે. માછીમારોની વસ્તી ધરાવતા ઝાંઇ ગામ ખાતે સમુદ્ર તટ પર ગામના લોકો વર્ષોથી માટીમાંથી કલાત્મક શિવલીંગ અને ગણેજીના શિલ્પ તૈયાર કરી તેની પૂજા અર્ચના કરે છે અને વર્ષોથી થતી આ રીતે મહાશિવરાત્રીની પૂજામાં ગામના લોકો તેમજ આસપાસના અન્ય ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.
દરિયાની માટી અને રેતીમાં શિવની મુખાકૃતિ, શિવલિંગ, શિવજીનું ડમરુ જેવા કલાત્મક શિલ્પ તૈયાર કર્યા
ગામલોકોએ દરિયાની માટી અને રેતીમાં શિવની મુખાકૃતિ, શિવલિંગ, શિવજીનું ડમરુ જેવા કલાત્મક શિલ્પ તૈયાર કર્યા હતાં. મોટેભાગે ગામલોકો અહીં પાર્થિવ શિવલિંગની સ્થાપના કરે છે. જે દરિયાની ભરતી સમયે દરિયામાં જ વિસર્જન થાય છે. ઉપરાંત અહીં પિતૃશ્રાદ્ધ પણ કરવામાં આવે છે. ગામલોકોનું માનવું છે કે, તેઓ દરિયાઈ ખેડુ છે એટલે તેમના પરિવારજનોના મોક્ષ માટે અન્ય સ્થળોએ જવાને બદલે અહીં દરિયાદેવના સાનિધ્યમાં જ પિતૃશ્રાદ્ધની વિધિ કરી તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રીના પાવન પર્વે અમદાવાદનું પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ મંદિર બંધ
ગામના લોકો શિવરાત્રીએ પિતૃશ્રાદ્ધ કરે છે
મહાશિવરાત્રીના દિવસે અહીંના કલાત્મક પાર્થિવ શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉપસ્થિત રહે છે. ગામની મહિલાઓ, પુરુષો ઉપરાંત નાના બાળકો પણ શિવલિંગની સ્થાપના કરી તેની પૂજા કરે છે. તો પ્રવાસીઓ આ રેત શિલ્પ સાથે ફોટા ખેંચાવી અનોખો આનંદ વ્યક્ત કરે છે.
પિતૃઓનું શ્રાદ્ધ કરી પિતૃઓને મોક્ષ આપી મહાદેવ પાસે પુણ્યનું ભાથું બાંધે છે
આ પ્રકારના માટીમાંથી બનાવાતા શિવલીંગની પરંપરા વિશે ગામના લોકોનું કહેવું છે કે, વર્ષોથી આ પરંપરા કાયમ છે. તમામ ભોળાના ભક્તો ભક્તિભાવથી તેમની પૂજા કરે છે. ભોળાનાથ તમામ ભક્તોના દુ:ખ દૂર કરતા હોવાની સાથે પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરતા હોવાની માન્યતા છે એટલે આ દિવસે અનેક માછીમારો પોતાના પિતૃઓના શ્રાદ્ધ કરી પિતૃઓને મોક્ષ આપી મહાદેવ પાસે પુણ્યનું ભાથુ બાંધે છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રી નિમિત્તે સાળંગપુરમાં હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો