વાપી: દેશમાં કોવિડ-19ને કારણે જાહેર કરેલ લોકડાઉન 14મી એપ્રિલના પૂર્ણ થતું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના પ્રજાજોગ સંદેશમાં આ અવધી આગામી 3જી મે સુધી લંબાવી છે. વાપીમાં 15મી એપ્રિલથી સરકારની ગાઇડલાઈન મુજબ કેટલાક ઉદ્યોગોને શરૂ કરવા વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રજુઆત કરાઈ હતી. જો કે, લોકડાઉનની અવધી લંબાતાં હવે આ અંગે મંગળવારે ઉદ્યોગકારો વલસાડ કલેકટર સાથે બેઠક યોજી ઉદ્યોગો ચાલુ રાખવા કે કેમ તે અંગે ચર્ચા વિચારણા કરશે.
વાપી GIDCમાં લોકડાઉનને કારણે તમામ નાનામોટા 3000 જેટલા એકમો ઠપ્પ થઇ ગયા છે. ઉદ્યોગોની હાલત કફોડી બની છે. જે અંગે વીઆઇએ દ્વારા કલેકટરને લોકડાઉન પૂર્ણ થતાં એકમો શરૂ કરવાની રજૂઆત કરી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની અવધી વધારી 3જી મે કરી હોવાનું પ્રજાજોગ સંદેશમાં જણાવ્યા બાદ વાપીના ઉદ્યોગકારો વલસાડ કલેક્ટરે સમક્ષ બેઠક યોજી આગામી ગાઇડલાઈન મુજબ ઉદ્યોગો શરૂ રાખી શકે કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવનાર હોવાનું VIA પ્રમુખ પ્રકાશ ભદ્રાએ ETVને જણાવ્યું છે.
VIAના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, કલેક્ટર સાથે બેઠક યોજાઇ હતી. જેમાં લોકપૂર્ણ થયા બાદ સરકારની સુચના મુજબ 15 એપ્રિલથી વાપીના ઉદ્યોગો શરૂ થશે. VIA એડવાઇઝરી બોર્ડના સભ્યો અને પારડી ધારાસભ્ય કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, સરકારે હાઇવે પરના ગેરેજને ખોલવાની મંજૂરી આપી છે. PM નરેન્દ્ર મોદીના મંગળવારે સંબોધન બાદ રાજ્ય સરકાર જિલ્લા કલેકટરોને સૂચના આપશે. જે સુચના આધારે ઉદ્યોગો શરૂ કરવામાં આવશે.
આ ઉદ્યોગોમાં ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ એકમો, પેપર પમ્પ, ડાઈઝ, ફાર્માસ્યુટિકલ, એન્જિનિયરિંગ, ટ્રેડ પેન્ટ, પીગમેન્ટ્સ સહિતના એકમોનો સમાવેશ થાય છે. આમાના કેટલાક એકમો 20થી 25 ટકા કામદારો સાથે શરૂ કરી શકાય તે માટે ઉદ્યોગ દ્વારા રજૂઆત કરાઈ હતી. આ એકમમાં સુરક્ષાને ધ્યાને રાખી પ્રોડક્શન કરવાની માંગ મંગળવારની મિટિંગમાં કરશે.