- રમણ પાટકરે કર્યું મતદાન
- ભાજપને બહુમત મળશે તેવી આશા વ્યક્ત કરી
- જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સીટ માટે કર્યું મતદાન
વલસાડઃ ઉમરગામ તાલુકાના ઘોડીપાડા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં રાજ્ય પ્રધાન રમણ પાટકરે મતદાન મથકમાં પ્રવેશી કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કર્યા બાદ મતદાન કર્યું હતું. પાટકરે જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લોકશાહીના હાર્દ સમાન છે. આ ચૂંટણી લોકશાહીના પર્વની ઉજવણી સમાન છે. દેશ આઝાદ થયા બાદ 1995 સુધી દેશમાં કોંગ્રેસનું શાસન હતું. જે બાદ ભાજપના શાસનમાં દરેક ગામ-શહેરમાં વિકાસ થયો છે. રમણ પાટકરે મરોલી જિલ્લા પંચાયત અને ઉમરગામ તાલુકા પંચાયત માટે મતદાન કર્યું હતું. ભાજપ વિકાસના મુદ્દાને લઈને આ ચૂંટણી જંગમાં હોવાથી ભાજપ બહુમતીથી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપના શાસનમાં ફળિયા સુધી વિકાસ થયો
ભાજપના શાસનમાં ફળિયા સુધીનો વિકાસ થયો છે અને મતદારો પણ ભાજપ સાથે હોવાનું જણાવતા રમણ પાટકરે આશા વ્યક્ત કરી હતી કે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં જંગી બહુમતીથી વિજય મેળવશે.
90 ટકા મતદાન થશે તેવી આશા કરી વ્યક્ત
પાટકરે નારાજ કાર્યકરો અંગે જણાવ્યું હતું કે, ટિકિટને લઈને કેટલાક કાર્યકરોમાં નારાજગી હતી. પરંતુ તેઓ પણ મત તો ભાજપને જ આપશે અને ભાજપ સાથે જ છે. મહાનગરપાલિકામાં થયેલા ઓછા મતદાન સામે તેમણે જણાવ્યું હતું કે, મતદાન સરેરાશ ટકાવારી મુજબ વધુ જ થયું હતું અને પોતાના મત વિસ્તારમાં 90 ટકા આસપાસ મતદાન થશે તેવી આશા વ્યક્ત કરી છે.