આ અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ બુધવારે ચલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. બાતમી આધારે મુંબઈ પાર્સિંગની મર્સિડીઝ કારને રોકી તપાસ કરતા કારની ડીકીમાં ઠાંસી ઠાંસીને ભરેલો 74 હજારનો દારૂ મળી આવ્યો હતો. લકઝરી કાર ગણાતી મર્સિડીઝ કારમાં આ રીતે દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તાત્કાલિક કાર ચાલકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
પ્રાથમિક જાણકારીમાં આ દારૂનો જથ્થો મંગાવનાર વડોદરાનો વેપારી હોવાનું બહાર આવ્યું હતું. જેણે પોતાના ડ્રાઈવરને મર્સિડીઝ કારમાં દમણ ખાતે દારૂ લેવા મોકલ્યો હતો. ડ્રાઇવર દારૂનો જથ્થો ભરીને પરત વડોદરા જવા નીકળ્યો હતો. વાપીમાં LCBની ટીમના હાથે ઝડપાઇ ગયો હતો. જો કે, આ સમગ્ર કેસમાં મર્સિડીઝ જેવી 40 લાખથી વધુની મોંઘી કારમાં 74 હજારનો દારૂ મળતાં ચકચાર મચી ગઇ છે. કારની નંબર પ્લેટ MH-04-BH-2775 થાણેની કોઈ પ્રિયંકા રાણેના નામે રજીસ્ટર છે. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર સાથે ડ્રાઇવરની ધરપકડ કરી વધુ પૂછપરછ સાથે વાપી ટાઉન પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે.