- ટ્રાન્સફોર્મર્સ આસપાસ કચરાના ઢગ નુકસાનકારક
- વધુ વીજ લોડને કારણે ટ્રાન્સફોર્મર્સ બળી જાય છે
- GEB તાર ફેંસિંગ કરે છે અને ટ્રાન્સફોર્મર્સની મરામત કરે છે
વલસાડ : સમગ્ર દક્ષિણ ગુજરાતને વીજ સપ્લાય પૂરો પાડતી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વાપી સહિત આસપાસના વિસ્તારમાં અંદાજીત 12,000 જેટલા ટ્રાન્સફોર્મર્સ ઉભા કરવામાં આવ્યા છે. આ ટ્રાન્સફોર્મર્સ આસપાસ કોઈ મોટી દુર્ઘટના ન બને, તે માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જો કે, વીજ વપરાશ કરતા ગ્રાહકોમાં વીજળીને લઈને જે સામાન્ય સમજણ હોવી જોઈએ. આ સમજણના અભાવને કારણે ટ્રાન્સફોર્મર્સ બળી જવાના, ફ્યૂઝ ઉડી જવાના, ઘરના ઉપકરણોમાં શોર્ટસર્કિટ થવાના બનાવો GEBના કર્મચારીઓને દોડતા કરી મૂકે છે.
![ટ્રાન્સફોર્મર્સ આસપાસ કચરાના ઢગ નુકસાનકારક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-transformer-knowledge-vis-pkg-gj10020_03052021182904_0305f_1620046744_619.jpg)
વીજ પુરવઠો પહોંચાડવામાં ટ્રાન્સફોર્મર્સ એ મહત્વનું ઉપકરણ
વીજળી એ માનવ જીવન માટે અતિ ઉપયોગી છે. વીજ કંપનીઓ એ માટે મસમોટા ટ્રાન્સફોર્મર્સ, પોલ ઉભા કરી મીટર લગાવી વીજ પુરવઠો પૂરો પાડે છે. ઘરમાં કે ઉદ્યોગોમાં મોટાભાગના ઉપકરણો વીજળી પર જ નિર્ભર છે. આ વીજ પુરવઠો આપણા ઘર સુધી પહોંચાડવામાં ટ્રાન્સફોર્મર્સ એ મહત્વનું ઉપકરણ છે. એટલે દરેક સોસાયટી, એપાર્ટમેન્ટમાં ઉદ્યોગોમાં તેના થકી જ જરૂરી વોલ્ટેજ મળે છે.
![ટ્રાન્સફોર્મર્સ આસપાસ કચરાના ઢગ નુકસાનકારક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-transformer-knowledge-vis-pkg-gj10020_03052021182904_0305f_1620046744_994.jpg)
આ પણ વાંચોઃ ઉનાળાની શરૂઆત થતાં જ વીજકાપની સમસ્યાથી લોકોમાં ભારે રોષ
ગ્રાહકોમાં સામાન્ય સમજણનો અભાવ
વીજ વિભાગ દ્વારા આપણને દર 60 દિવસે વિજબીલ આપે છે. આ વીજ બીલમાં એક ખુબજ મહત્વની વિગત હોય છે. જે દરેક ગ્રાહકના ઘરે વપરાતા વીજ વપરાશની છે. જેની સામાન્ય સમજણનો અભાવ ટ્રાન્સફોર્મસને બાળી નાખવા, તેમાં ક્ષતિ સર્જવા, ફ્યુઝને ઉડાડી દેવા માટે કારણભૂત છે. આ અંગે ETV ભારતે લોકોમાં સાચી સમજણ પુરી પાડવા વિજકંપનીના એક્ઝિક્યુટિવ એન્જીનીયર સાથે ચર્ચા કરી હતી અને માહિતી મેળવી હતી.
![વીજ વપરાશ કરતા ગ્રાહકોમાં સમજણનો અભાવ તેમની જાનમાલની નુકસાનીનું કારણ બની શકે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-transformer-knowledge-vis-pkg-gj10020_03052021182904_0305f_1620046744_936.jpg)
વાપી વિસ્તારમાં અંદાજીત 12,000 ટ્રાન્સફોર્મર્સ
વાપીમાં કાર્યરત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના એક્ઝિક્યુટિવ એન્જીનીયર સહિત વાપી ટાઉન અને વાપી GIDCના GEBના અધિકારીઓએ વિગતો આપી હતી કે, વાપી વિસ્તારમાં અંદાજીત 12,000 જેટલા ટ્રાન્સફોર્મર્સ છે. જેમાં વર્ષે કેટલીક ક્ષતિઓ થતી હોય છે. જોકે, આ ક્ષતિઓ માટે મોટેભાગે ગ્રાહકોમાં રહેલો સામાન્ય સમજણનો અભાવ છે. જેમ કે, એક ટ્રાન્સફોર્મર્સ માંથી જે તે ગ્રાહકો માટે ચોક્કસ કિલો વોટ વીજળી પુરવઠો આપવામાં આવે છે. જે તેણે રજૂ કરેલી વિગતોને આધારે હોય છે. જે માટે મીટર દીઠ ખાસ ડિપોઝીટ લેવામાં આવતી હોય છે. પરંતુ ગ્રાહકો તે બાદ પોતાના ઘરે વધુ ઉપકરણોનો ઉપયોગ કરે છે. એટલે વિજલોડ વધે છે. જે વીજ વિભાગના કમ્પ્યુટરાઈઝડ પ્રોગ્રામમાં નોંધાય છે. જે બાદ તેની કુલ ભરવાપત્ર સિક્યોરિટી ડિપોઝીટની રકમનો ઉલ્લેખ તેના બીલમાં કરેલો હોય છે. જેમ કે કોઈ ગ્રાહકે વીજ મીટરની માંગણી કરતી વખતે તેને 1.5 કિલો વોટ મુજબ 800 રૂપિયા આસપાસ રકમ ભરી હોય જે બાદ તેનો વધુ વપરાશ જોતા સિક્યોરિટી ડિપોઝીટ પેટે તેને 3000 આસપાસ રકમ ભરવી પડતી હોય છે. જે મોટાભાગના ગ્રાહકો ભરતા નથી.
![ટ્રાન્સફોર્મર્સ આસપાસ કચરાના ઢગ નુકસાનકારક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-transformer-knowledge-vis-pkg-gj10020_03052021182904_0305f_1620046744_342.jpg)
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં GEB સાતમા પગારનું એલાઉન્સ ચૂકવવા રજૂઆત કરાઈ
વર્ષે 5 ટકાથી વધુ ટ્રાન્સફોર્મર્સ બદલવા પડે છે
વધુ વીજ વપરાશને કારણે તેનો લોડ ટ્રાન્સફોર્મર પર આવે છે. એવા સંજોગોમાં ટ્રાન્સફોર્મર બળી જવાના કે બ્લાસ્ટ થવાના ચાન્સ વધે છે. એ ઉપરાંત દરેક ટ્રાન્સફોર્મરને ફરતે GEB ખાસ તાર ફેનસિંગ કરે છે. પરંતુ લોકો તેને સ્વચ્છ રાખવાને બદલે તેમાં કચરો ફેંકે છે. પક્ષીઓને ચણ નાખે છે. જેને કારણે પશુઓ, પક્ષીઓ ત્યાં આસપાસ મંડરાય છે. ક્યારેક આવા કચરામાં આગના બનાવો બને છે. એટલે લોકોએ એ અંગે જાગૃત બનવું જરૂરી છે. એ ઉપરાંત ટ્રાન્સફોર્મર આસપાસ ઝાડની ડાળીઓ પણ શોર્ટસર્કિટ સર્જે છે. વર્ષે દહાડે લગભગ 5 ટકાથી વધુ આવા કારણોને લઈને ટ્રાન્સફોર્મર્સ બદલવાની નોબત આવે છે. જે GEB માટે ખર્ચાળ છે.
![વીજ વપરાશ કરતા ગ્રાહકોમાં સમજણનો અભાવ તેમની જાનમાલની નુકસાનીનું કારણ બની શકે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-transformer-knowledge-vis-pkg-gj10020_03052021182904_0305f_1620046744_73.jpg)
કોરોના કાળમાં 50 ટકા સ્ટાફ જ કાર્યરત
ઘણી જગ્યાએ લોકો ટ્રાન્સફોર્મર નજીક જ ભીના કપડાં સુકવે છે. આસપાસ ગંદુ પાણી ફેંકે છે. જાળીઓને નુકસાન પહોંચાડે છે. વીજ વિભાગ દર વર્ષે આવા ટ્રાન્સફોર્મર્સ નજીકની સાફ સફાઈ, ઝાડીઓ કટિંગ, ફેંસિંગ બદલવા જેવી કામગીરી કરતું રહે છે. હાલમાં પણ એક તરફ કોરોના મહામારી છે. ત્યારે વીજ વિભાગના કુલ સ્ટાફમાંથી 50 ટકા સ્ટાફથી કામ ચલાવવું પડી રહ્યું છે.
![વીજ વપરાશ કરતા ગ્રાહકોમાં સમજણનો અભાવ તેમની જાનમાલની નુકસાનીનું કારણ બની શકે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-transformer-knowledge-vis-pkg-gj10020_03052021182904_0305f_1620046744_564.jpg)
ટ્રાન્સફોર્મરને નુકસાન કરવાનું ટાળીએ તો, સુરક્ષિત રહી શકીએ
ઉલ્લેખનીય છે કે, વાપી વિસ્તારમાં શહેરી, ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારમાં વીજ વિભાગ વીજપુરવઠો પૂરો પાડે છે. એ માટે અંદાજીત 12,000 ટ્રાન્સફોર્મર છે. વાપી ટાઉનના અજિત નગર કચેરી હસ્તક 500થી વધુ ટ્રાન્સફોર્મર આવે છે. GIDC હસ્તકની કચેરીમાં 1280 ટ્રાન્સફોર્મર કાર્યરત છે. એ ઉપરાંત બાકીના ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત છે. જેમાં મોટેભાગે વિજલોડમાં થતી વધઘટને કારણે ફ્યુઝ ઉડવાના બનાવો બને છે. તો ક્યારેક વિજલોડને કારણે ટ્રાન્સફોર્મરમાં ઇન્ટરફોલ્ટ સર્જાતા ટ્રાન્સફોર્મર બદલવાની નોબત આવે છે. ત્યારે જો આપણે આપણા વીજ વપરાશ અંગેની માહિતી રાખીએ, ટ્રાન્સફોર્મર આસપાસ ગંદકી કરવાનું તેને નુકસાન કરવાનું ટાળીએ તો તેનાથી ટ્રાન્સફોર્મર્સની સલામતી રહેશે અને દરેક વિજગ્રાહક પોતાના પરિવારને જાનમાલની નુકસાનીથી બચાવી વીજ પુરાવઠાનો યોગ્ય લાભ મેળવી શકશે.