વલસાડઃ કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવતા પરિવારોને અલગ અલગ સ્થળો પર ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે. આવા જ કેટલાક પરિવારને ભીલાડની સરકારી રેફરલ હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન કર્યા છે. જ્યાં ક્વોરોન્ટાઇન કરવામાં આવેલા લોકોએ અનેક સુવિધાઓના અભાવ અને ગંદકીનો એક વીડિયો વાઇરલ કરી કોરનાના કારણે નહિ પરંતુ આ અસહ્ય ગંદકીને કારણે બીમાર પડવાની દહેશત વ્યક્ત કરી છે.
આ વાઇરલ વીડિયોમાં લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જે મુજબ ભિલાડ રેફેરલ હોસ્પિટલમાં તેઓની બેડશીટ 3 દિવસથી બદલવામાં નથી આવી, બાથરૂમમાં સતત પાણી ટપક્યા કરે છે. જેને લઈને ગંદકી ફેલાઈ રહી છે. અન્ય જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી. અમને અહીં કોરોના સંક્રમણથી મુક્ત થવા ક્વોરોન્ટાઇન થયા છીએ પણ આ ગંદકી અમને બીમારીના ભરડામાં લેશે. આ અંગે અનેક રજુઆત કરી છે પરંતુ તેનું નિરાકરણ કરવામાં આવતું નથી.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં કુલ 4 હજાર 396 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 4 હજાર 342 નેગેટિવ જ્યારે 54 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે જિલ્લા બહારના 10 કેસ મળી કુલ 65 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. આવા પોઝિટવ દર્દીઓના સંપર્કમાં આવેલા પરિવારોને વિવિધ સરકારી હોસ્પિટલ, હોટેલ અને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યાં અવારનવાર અસુવિધાઓને લઈને વીડિયો વાયરલ થયા છે.
જેમાં આ વધુ એક વીડિયો વાયરલ થયો છે. તંત્ર આ અંગે જરૂરી સેવા પૂરી પાડે તે ઇચ્છનીય છે. કેમ કે, જિલ્લામાં હજુ પણ 25 કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ,36 લોકો સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે 3 કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુ થયા છે.