- ઉમરગામ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
- કિશોર કાનાણીના હસ્તે શુભારંભ
- 10 ગામોમાં મળશે દિવસે મળશે વીજળી
વલસાડઃ જિલ્લાના ઉમરગામમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ આરોગ્ય રાજ્યપ્રધાન કિશોર કાનાણીના વરદ હસ્તે કરાયો હતો. ઉમરગામ તાલુકાના ગામમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ થયો છે, તેમાં ફણસા, કલગામ, કાલય, કનાડુ, બિલીયા, કરંજગામ, પાલીકરમબેલી, પાલી, અણગામ અને પુનાટ ગામોનો સમાવેશ થાય છે.
આ તકે આરોગ્ય રાજ્યપ્રધાન કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેતીવાડીમાં પિયત માટે દિવસે વીજળી પૂરી પાડવા કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના થકી સિંચાઇ માટે દિવસે વીજ પુરવઠો મળતાં રાતના ઉજાગરા, વન્યજીવ જંતુના ભયથી ખેડૂતોને કાયમી મુક્તિ મળશે.
જ્યોતિગ્રામ યોજના હેઠળ દરેક ઘરમાં મળે છે 24 કલાક વીજળી
વધુમાં જણાવ્યું કે, રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યોતિગ્રામ યોજના હેઠળ દરેક ઘરમાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી છે. કૃષિ મહોત્સવના આયોજન થકી ખેડૂત આધુનિક ખેતી કરતો થયો છે, ખેડૂતો પગભર બન્યા છે.
આ તકે આદિજાતિ વિકાસ રાજયપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા ગુજરાત સરકારે પહેલ કરી છે. આ યોજના હેઠળ હાલ ચાર હજાર જેટલા ગામોને આવરી લેવામાં આવ્યાં છે. 2022 સુધીમાં રાજ્યના તમામ 18 હજાર ગામોને આવરી લેવાશે. આ યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમિયાન સવારે 5:00થી રાત્રીના 9:00 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવશે.
વલસાડ કલેક્ટર સહિત અધિકારી/ કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત
આ અવસરે વલસાડ કલેક્ટર આર.આર.રાવલ, ડીજીવીસીએલ વલસાડના અધિકારી/ કર્મચારીઓ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયા પટેલ, ખેડૂતો, ડીજીવીસીએલના સ્ટાફ સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતા.